Get The App

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા!

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! 1 - image

ICAI CA Intermediate Result Ahmedabad : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા સીએ (CA) ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે ઑલ ઇન્ડિયા લેવલે બંને ગ્રુપનું પરિણામ 8.47%, માત્ર ગ્રુપ-1નું 10.25% અને ગ્રુપ-2નું પરિણામ 16.11% રહ્યું છે. અમદાવાદ બ્રાન્ચે આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ બ્રાન્ચમાં બંને ગ્રુપનું પરિણામ 6.55%, ગ્રુપ-1નું 9.09% અને ગ્રુપ-2નું પરિણામ 21.90% આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં બંને ગ્રુપનું પરિણામ 13.19% હતું, જેની સરખામણીએ આ વખતે પરિણામ 6.55% રહ્યું છે.

આ પરિણામમાં અમદાવાદના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 50માં સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.

લાઈબ્રેરીમાં રોજ 8થી 10 કલાક સેલ્ફ સ્ટડી અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટે અપાવી સફળતાઃ મોક્ષ રાઠોડ (AIR 5)

ઑલ ઇન્ડિયામાં 5મો રેન્ક મેળવનારા મોક્ષ રાઠોડે જણાવ્યું કે, ‘સીએ ફાઉન્ડેશનમાં મારો 8મો રેન્ક હતો, તેથી ઇન્ટરમીડિયેટમાં પણ ટોપ રેન્ક લાવવાનો મારો લક્ષ્યાંક હતો. મેં જે.કે. શાહ ક્લાસીસમાં વહેલા જોડાઈને રોજનું રોજ રિવિઝન કરવાની ટેવ પાડી હતી. છેલ્લા ત્રણ મહિના મેં લાઈબ્રેરીમાં રોજ 8થી 10 કલાક સેલ્ફ સ્ટડી કરી છે. અભ્યાસને પ્રાધાન્ય આપવા મેં પરિવારના કેટલાક પ્રસંગો અને લગ્નો પણ જતા કર્યા હતા. છતાં, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટના કારણે મેં ક્લાસીસમાં જ મિત્રો સાથે તહેવારોની ઉજવણી કરી હતી.’

મોક્ષના દાદા અને પપ્પા બંને પ્રેક્ટિસિંગ સીએ છે, એટલે તે પરિવારમાંથી ત્રીજી પેઢીનો સીએ બનશે. તેની માતાએ કોમ્પ્યુટર કોર્સ કરેલો છે અને તેનો ભાઈ મિકેનિકલ એન્જિનિયર બનીને ગૂગલમાં જોડાવા જઈ રહ્યો છે. મોક્ષ ભવિષ્યમાં ટેક્સેશન ક્ષેત્રે આગળ વધવા માંગે છે અને 'બિગ ફોર' કંપનીમાં મર્જર એન્ડ એક્વિઝિશન જેવા ફિલ્ડમાં આર્ટિકલશિપ કરવાની ઈચ્છા ધરાવે છે. સીએ ફાઇનલમાં પણ ટોપ 10માં આવવાનું તેનું લક્ષ્ય છે.

સંપૂર્ણ શિસ્ત સાથે 10-12 કલાકની મહેનત રંગ લાવીઃ સ્તુતિ ગોયંકા (AIR 10)

484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં 10મો રેન્ક પ્રાપ્ત કરનાર સ્તુતિ ગોયન્કાએ જણાવ્યું કે, ‘આ સફળતા પાછળ દરરોજ 10થી 12 કલાકની નિયમિત અને સંપૂર્ણ શિસ્તબદ્ધ મહેનત રહેલી છે. આ સફરમાં મારા પરિવારે પણ ઘણાં બલિદાન આપ્યા છે. મેં છેલ્લા બે મહિનામાં ફેમિલી ફંક્શન અને પાર્ટીઓમાં જવાનું ટાળ્યું હતું, તો બીજી તરફ મારા પરિવારે પણ ટીવીનો અવાજ ધીમો રાખવા જેવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું. મારી મમ્મીએ મને અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તેની ખાસ કાળજી લીધી હતી. પરીક્ષા આપતી વખતે મારું મન એકદમ શાંત હતું. મેં બસ એટલું જ વિચાર્યું હતું કે મેં મારી શ્રેષ્ઠ તૈયારી કરી છે અને હવે બાકી બધું ભગવાન પર છોડી દેવું જોઈએ.’

દીકરીના આ પરિણામથી તેનો પરિવાર અત્યંત ખુશ છે અને તેની માતા ખુશીથી નિઃશબ્દ બની ગઈ હતી. સ્તુતિ હવે 'બિગ ફોર' કંપનીમાંથી આર્ટિકલશિપ કરીને ભવિષ્યમાં ટેક્સ અથવા ફાઇનાન્સ ક્ષેત્રે નિષ્ણાત બનવા માંગે છે.

રોજનું કામ એ જ દિવસે પૂરું કરીને લક્ષ્ય હાંસલ કર્યુંઃ કનૈયા શર્મા (AIR 40)

ઓલ ઇન્ડિયામાં 40મો રેન્ક મેળવનારા કનૈયા શર્માએ જણાવ્યું કે, ‘મેં ખૂબ જ સમર્પણ (ડેડિકેશન) સાથે અભ્યાસ કર્યો છે. મારા શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને સીનિયર સીએના અનુભવોને અનુસરીને મેં આ લક્ષ્ય પૂરું કર્યું છે. હું રોજના 8થી 10 કલાક પ્રિપરેશન કરતો હતો. મેં ક્લાસ, હોમવર્ક અને જે દિવસે જે ભણાવવામાં આવ્યું હોય તેનું તે જ દિવસે રિવિઝન કરવા માટે એક ફિક્સ ટાઈમટેબલ બનાવી લીધું હતું.’ 

આ સફળતા માટે કનૈયાએ મિત્રો સાથે ફરવાનું, રવિવારની આઉટિંગ, ફેમિલી ફંક્શન અને તહેવારોની મજાનું પણ બલિદાન આપ્યું હતું. કનૈયાના પિતા વુડન ટેમ્પલ પોલિશ (લાકડાના મંદિર પર પોલિશ) કરવાનો વ્યવસાય કરે છે અને તેની માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ કનૈયાએ મેળવેલી આ સિદ્ધિ પ્રેરણાદાયી છે.