Gujarat

ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા

By GS TEAM
19 Aug 20252 mins read
ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા

સાત વર્ષ અગાઉ બનેલી ઘટનામાં કોર્ટનો ચુકાદો

એક આરોપીને એક વર્ષ તો એકને ૬ મહિના ૧૫ દિવસની સજા ફટકારવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા ચાંદખેડામાં સાત વર્ષ અગાઉ બેસવા બાબતે બોલાચાલી થયા બાદ યુવાનને માર મારનાર ત્રણ આરોપી સામે ગુનો દાખલ થતા ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલના ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને અલગ અલગ સજા કરવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા ચાંદખેડામાં રહેતા યુવાન વિકાસ કનુભાઈ રાણાને ગત ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તેના નાના ભાઈ હર્ષનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટયુશનથી ઘરે પરત ફરતો હતો ત્યારે સત્યમ બંગ્લોઝના ગેટ પાસે માનસરોવરમાં રહેતા પૃથ્વીરાજ ચૌહાણ અને આર્યન દેસાઈએ કહ્યું હતું કે તું માનસરોવરમાં બેઠક છે ત્યાં બેસતો નહીં અને લાફા મારી દીધા હતા. જેથી તે તુરંત જ ત્યાં પહોંચ્યો હતો અને પૃથ્વીરાજને કહ્યું હતું કે કેમ મારા ભાઈને માર્યો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને બાજુમાંથી લાકડાના ટેબલનો ધોકો કાઢીને માર માર્યો હતો. આ દરમિયાન માનસરોવરમાં રહેતા જગો ભીખાભાઈ રબારી પણ ત્યાં આવી ગયો હતો અને તેણે પણ માર માર્યો હતો. જે સંદર્ભે પોલીસ ફરિયાદ બાદ ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી. રણાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસે ફરિયાદી વિવિધ સાક્ષીઓ અને તપાસ અધિકારીની તપાસ કરી હતી અને દલીલો કરી હતી કે આરોપીઓએ કરેલા કૃત્ય બદલ તેમને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા કરવી જોઈએ જેના પગલે કોર્ટ દ્વારા આરોપી પૃથ્વીરાજ અશોકભાઈ દૈયાને છ મહિના અને ૧૫ દિવસ, આર્યન કાનજીભાઈ દેસાઈને પંદર દિવસ તેમજ જગદીશ ઉર્ફે જગો ભીખાભાઈ રબારીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.