Gujarat

ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

By GS TEAM
9 Aug 20251 min read
ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

- નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટનો હુકમ

- 1-1 લાખનો દંડ પણ ફટકાર્યો : 2021 માં ગાડીમાં 2 ગાયોને કતલના ઈરાદે લઈ પકડાયા હતા

નડિયાદ : નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે ગૌવંશને કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક હેરફેર કરવાના કેસમાં ૩ આરોપીઓને ૭ વર્ષની સખત કેદની સજા અને ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦૨૧ની આ ઘટનામાં આરોપીઓ છોટા હાથી ગાડીમાં બે ગાયોને વગર પાસ પરમિટે કતલખાને લઈ જતા ઝડપાયા હતા.

મહેમદાવાદના વણસોલી ગામની સીમમાં ૨૯/૦૯/૨૦૨૧ના રોજ આરોપીઓ વસીમઅકરમ નજીરહુસેન મલેક, મહંમદસકીલ મહંમદ રફીક મલેક અને વાહીદ હુસેન ગનીમિયા મલેક તમામ રહે. મહુધાવાળા છોટા હાથી ગાડીમાં બે ગાયોને ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જઈ રહ્યા હતા. પશુઓ માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ત્રણેય આરોપીઓ કતલખાને લઈ જવાના ઈરાદે વગર પાસ પરમિટે ગૌવંશની હેરફેર કરતી વખતે ઇક્કો ગાડીથી પાયલોટિંગ પણ કરાઈ રહ્યું હતું. આ કેસમાં રૂા. ૧.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કેસની ચાર્જશીટ થયા બાદ ખેડા જિલ્લાના ત્રીજા એડિશનલ સેશન્સ જજ પી.પી. પુરોહિતની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓને પશુ સંરક્ષણ ધારા હેઠળ દોષિત ઠેરવીને ૭ વર્ષની સખત કેદની સજા અને ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.