Gujarat

પશુ ચોર ટોળકીના 3 આરોપીઓ 4.56 લાખની મત્તા સાથે ઝડપાયા

By GS TEAM
31 Mar 20262 mins read
પશુ ચોર ટોળકીના 3 આરોપીઓ 4.56 લાખની મત્તા સાથે ઝડપાયા

- કઠલાલ પોલીસની કાર્યવાહી 

- સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે અમદાવાદના 3 ગુનેગારોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ

કઠલાલ : કઠલાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા સરખેજ ડાભીની મુવાડી ગામેથી થયેલી પશુ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત તા. ૧૪-૦૩-૨૬ના રોજ રાત્રિના સમયે થયેલી ભેંસની ચોરી મામલે પોલીસે ફિલ્મી ઢબે તપાસ કરી અમદાવાદની કુખ્યાત ટોળકીને ઝડપી પાડી છે.

ગત ૧૪ માર્ચના રોજ મોડી રાત્રે આશરે ૩ઃ૦૦ વાગ્યાના સુમારે સરખેજ ડાભીની મુવાડી ગામે તસ્કરોએ ત્રાટકીને એક ઘર આંગણે ગમાણમાં બાંધેલી રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતની ભેંસની ચોરી કરી હતી. તસ્કરો કાળા રંગની લક્ઝરી કારમાં પશુને ચઢાવી પૂરઝડપે નાસી છૂટયા હતા. આ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કઠલાલ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેકનિકલ સોર્સ અને ૩૦થી વધુ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોરીમાં વપરાયેલી કાળા રંગની ફોર્ચ્યુનર ગાડીનો નંબર મેળવી બાતમીદારોને સક્રિય કરાયા હતા. બાતમીના આધારે પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખલાલ ચેકપોસ્ટ પાસેથી આરોપીઓને આંતર્યા હતા. પોલીસે ગુલામ સાબીર મહંમદ કાલુમિયા કુરેશી (રહે. જમાલપુર ખાટકીવાડ, દાણીલીમડા, અમદાવાદ),

આસિફ ઉર્ફે માઈકલ નૂર મોહમ્મદ ઈસ્માઈલ કુરેશી (રહે. રખિયાલ, અમદાવાદ) અને સલીમ ઉર્ફે કાલીયા દિલ્લી કમાત્રી અકબરભાઈ શેખ (રહે. બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ) આરોપીની ઝડપી પાડયા હતા. તેમજ પોલીસે ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂપિયા ૪,૫૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે.