Gujarat

ડભાણ હાઈવે પર સુપરવાઈઝર પર હુમલાના 3 આરોપી ઝડપાયા

By GS TEAM
5 Jul 20252 mins read
ડભાણ હાઈવે પર સુપરવાઈઝર પર હુમલાના 3 આરોપી ઝડપાયા

- સળિયાથી ઢોર માર મારી ભાગી ગયા હતા

- લેબર કોન્ટ્રાક્ટ અને રૂપિયાની લેતીદેતીના વિવાદમાં અપરાધ કર્યો હોવાનું ખૂલ્યું

નડિયાદ : નડિયાદ નજીક ડભાણ હાઈવે પર એક કંપનીના સુપરવાઈઝર જ્ઞાાનધર રામનાથ તિવારી પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડી લીધા છે. કમળા ગામના આ ત્રણેય હુમલાખોરોએ લેબર કોન્ટ્રાક્ટ અને રૂપિયાની લેતીદેતીના વિવાદમાં આ ગંભીર અપરાધ આચર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આટલો ગંભીર ગુનો હોવા છતાં, પોલીસે અન્ય મોટા ગુનાઓના આરોપીઓની માફક આ હુમલાખોરોનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવાની તસ્દી ન લેતાં અનેક સવાલો ઊભા થયા છે.

ડભાણ હાઈવે પર આવેલી એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જ્ઞાાનધર રામનાથ તિવારી પર કેટલાક ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ લેબર કોન્ટ્રાક્ટને લગતી બાબતો અને આથક લેતીદેતીનો વિવાદ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

હુમલા બાદ સુપરવાઈઝર ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ મામલે કમળા ગામના ત્રણ આરોપીઓને ઓળખી કાઢી તેમને ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં અક્ષયકુમાર ધીરજભાઈ વાઘેલા, સચીનકુમાર બીપીનભાઈ સોલંકી, અને રાહુલભાઈ અશોકભાઈ પુરબીયા તમામ રહે. કમળાનો સમાવેશ થાય છે. 

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, અન્ય આરોપીઓની માફક આટલી ગંભીર ઘટનાને અંજામ આપનારા આ આરોપીઓનુ જાહેરમાં રીકન્સ્ટ્રક્શન ન કરાતા અનેક ચર્ચાઓ જાગી છે.