Gujarat

નડિયાદ, મહેમદાબાદ તાલુકામાં 3 અકસ્માત, 10 વ્યક્તિને ઈજા

By GS TEAM
2 Dec 20252 mins read
નડિયાદ, મહેમદાબાદ તાલુકામાં 3 અકસ્માત, 10 વ્યક્તિને ઈજા

- મહુધા, વસો અને ચકલાસી પોલીસે ગુનો નોંધ્યો 

- પીજ ટુંડેલ રોડ પર ઈકો અને રિક્ષા, ભૂલી ભવાની પાટિયા પાસે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત

નડિયાદ : નડિયાદની પીજ ચોકડીથી ટુંડેલ તરફ જતી રિક્ષાને ઇકો ગાડીએ ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી. જ્યારે ભૂલી ભવાની પાટિયા નજીક મોટરસાયકલ સાથે રિક્ષા અથડાતા રિક્ષા પલટી જતા છ લોકોને ઈજા થઈ હતી. જ્યારે અન્ય એક અકસ્માતમાં બાઈક સ્લીપ થતા ચાલકને ઈજા પહોંચી હતી. આ ત્રણેય બનાવ મામલે જે-તે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

નડિયાદના ટુંડેલ ગામમાં રહેતા નાગજીભાઈ શૈલાભાઈ ભરવાડ તા.૨૯મીની રાત્રે રિક્ષામાં તેમના સંબંધીઓને બેસાડી નડિયાદ રાજીવ નગરમાં ભજનમાં ગયા હતા. ત્યાંથી રિક્ષામાં નડીયાદથી પીજ ચોકડી તરફ જતા ટુંડેલ સીમ નજીક ઇકો ગાડીએ રોંગ સાઈડ આવી ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલા ગબુભાઈ લખાભાઇ ભરવાડ, ખીમાભાઈ વિભાભાઈ તેમજ રઘુભાઈ જોધાભાઈ ભરવાડને ઈજા પહોંચતી સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

બીજા બનાવમાં મહેમદાવાદના મોદજમાં રહેતા ભરતભાઈ સોમાભાઈ ચૌહાણ અને તેમના મિત્ર ગૌતમ ભાઈ ભરતભાઈ ડાભી મોટરસાયકલ પર મહુધા નડિયાદ રોડ પરથી સલૂન જવા નીકળ્યા હતા. આ દરમિયાન ભૂલી ભવાની પાટિયા નજીક સામેથી આવતી રિક્ષા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા મોટા વાહનની લાઈટથી અંજાઈ જતા રોંગ સાઈડ આવી તેમના મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને બાઈક સવાર અને રિક્ષામાં બેઠેલા મુસાફરો સહિત છ વ્યક્તિને ઇજા થઈ હતી. મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં નડિયાદના સોડપુર મોટા બોરીયામાં રહેતા ઉદેશીહ પ્રતાપસિંહ ચૌહાણ તા.૨૯ની સાંજે મોટરસાયકલ લઇ મંદિરના દર્શન કરવા જતા હતા. ત્યારે ઝાલા બોરડી ચોકડી નજીક રોડ ઉપર ભૂંડ આવતા બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી. જેથી બાઇક ચાલક ઉદેશીહ ચૌહાણને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.