સેક્ટર-૧૭ માં બંધ મકાનોનું તાળું તોડી ૩.૯૩ લાખની મત્તાની ચોરી

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત
જીએસપીસીના જુનિયર એક્ઝિક્યુટિવ વતન ઉત્તર પ્રદેશમાં ગયા હતા તે દરમિયાન ચોરીની ઘટના
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સેક્ટર ૧૭ માં આવેલી સરકારી વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૩.૯૩ લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાલ ચોરીના બનાવો
સાવ સામાન્ય થઈ ગયા છે ત્યારે ગાંધીનગર શહેરમાં હવે સરકારી મકાનો પણ સલામત રહ્યા
નથી આ સ્થિતિમાં શહેરના સેક્ટર ૧૭માં આવેલી ચ ટાઈપની વસાહતમાં બ્લોક નંબર ૧૪૧/૨માં
રહેતા અને જીએસપીસીમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા રામપ્યારે સુખારી
પ્રસાદના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું છે. જે ઘટના સંદર્ભે તેમણે ફરિયાદ
નોંધાવી હતી કે ગત ૭ જૂનના રોજ તેમની પત્ની સુમિત્રાદેવી અને પુત્ર ધીરજ સાથે
ઉત્તરપ્રદેશમાં એક કૌટુંબિક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. આજે સવારે તેઓ
ગાંધીનગર પરત ફર્યા ત્યારે તેમણે મકાનના પાછળના દરવાજાનું લોક તૂટેલું અને દરવાજો
ખુલ્લો જોયો હતો.પડોશી લીનાબેન રમેશકુમાર પરમારને જાણ કર્યા બાદ, તેઓ મકાનની અંદર
તપાસ કરવા ગયા હતા. અંદર કિચન,
બંને બેડરૃમ અને ડ્રોઈંગ રૃમનો સામાન વેરવિખેર પડયો હતો અને બેડરૃમની તિજોરી
ખુલ્લી હતી. તિજોરીમાંથી અને પેટી પલંગમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ
રકમ મળી ૩.૯૩ લાખ રૃપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ બનાવ અંગે
પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી અજાણ્યા તસ્કરો સામે
ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.








