આણંદમાંથી ચાર મહિનામાં 3,665 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝડપાયું
- દુકાનો, એકમો આસપાસ સ્વચ્છતા રાખવા તાકીદ
- મહાનગરપાલિકા વિસ્તારમાં 603 દુકાનો- એકમોમાં ચેકિંગ દરમિયાન રૂા. 8.29 લાખનો દંડ
આણંદ : આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર મહિના દરમિયાન 3,665 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. મનપાએ 603 એકમો પાસેથી રૂા. 8.29 લાખનો દંડ પણ વસૂલાયો હતો.
આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન યોજાયેલી ડ્રાઇવમાં મનપા વિસ્તારમાં આવેલી ૬૦૩ જેટલી દુકાનો અને એકમો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા દુકાનદારો પાસેથી રૂપિયા ૮,૨૯,૧૭૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ૩૬૬૫.૩૦ કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં આવેલા દુકાનદારો- એકમોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા તથા દુકાનો અને એકમોની આસપાસ સ્વચ્છતા રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.