વર્ષે 3.5 લાખ ગુજરાતીઓ યુરોપ પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના શહેરોમાં 'ટુરિસ્ટ ગો હોમ' ની નારેબાજી!!!
Europe Mass Tourism: છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાંથી યુરોપ જતાં પ્રવાસીઓનો ધરખમ વધારો થયો છે. 2013થી અત્યાર સુધીના ડેટા જોવા જઈએ તો ભારતમાંથી 8,50,000 ભારતીય પ્રવાસીઓમાંથી અંદાજિત 3,40,000 પ્રવાસીઓ એકલા ગુજરાતમાંથી યુરોપ જાય છે. ગુજરાતમાં સ્થાનિક પ્રવાસન સ્થળોની જેમ જ યુરોપના પ્રવાસની જેમ પ્રચાર પ્રસાર અને ગુજરાતી ભોજનની વ્યવસ્થા થાય છે. જે રીતે યુરોપ તરફ પ્રવાસીઓનો ધસારો વઘ્યો છે ત્યારે યુરોપના સ્પેન, ઈટલી અને પોર્ટુગલે ‘ઓવર યુરિઝમ’નો વિરોધ કર્યો છે.
અહીંના સ્થાનિકોએ ટુરિઝમનો વિરોધ કરતાં કરતાં 'Tourist Go Home' 'Your Holidays, My Misery' (તમારી રજા અમારી સજા) 'Mass Tourism Kills the City' (તમારા પ્રવાસથી અમારા શહેર બગડે છે). આવા સ્લોગનો લઈને ઉપરોક્ત ત્રણેય દેશના નાગરિકોએ પોતપોતાના વિસ્તારોમાં જાહેર માર્ગોમાં ઊભા રહીને પોતાની વધુ પડતાં ટુરિઝમ અને તેને કારણે પડતી સામાન્ય અગવડતાઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો. ઉપરોક્ત ત્રણેય દેશોમાં સ્થાનિક પ્રસાશન દ્વારા વોટર ગનથી સમગ્ર પરિસ્થિતને નિયંત્રિત કરવામાં આવી. યુરોપના કેટલાંક દેશોમાં શહેરોના દરેક સ્થળે ‘ટુરિસ્ટ ગો હોમ’ લખીને સ્થાનિકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.
આ પણ વાંચો: નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે - 'વાહ ક્યા સીન હૈ....'
કોવિડ પછીની સ્થિતિ જોવા જઈએ તો ઈટલી, પોર્ટુગલ અને સ્પેન જેવા દેશોના જીડીપીના 6 ટકા હિસ્સો ટુરિઝમ પર છે. જેમાં ભારતીય પ્રવાસીઓનો 2 ટકા ફાળો છે અને એ 2 ટકામાં 40 ટકા ગુજરાતીઓ છે. આ અંગે અમદાવાદના જાણીતા ટુર ઓપરેટરના જણાવ્યા પ્રમાણે વધતાં જતાં ટુરિઝમને કારણે ત્યાં મકાનોના ભાવ ખૂબ વધી ગયા છે. જેની સીધી અસર ત્યાં રહેતા સામાન્ય લોકો પર પણ પડે છે. ખાસ ઈટલી, સ્પેન અને પોર્ટુગલના સ્થાનિકોએ વિરોધ નોંધવતાં જણાવ્યું છે કે બહારથી આવતાં લોકોના ધસારાને કારણે અહીં તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. થોડા સમય માટે આવતા પ્રવાસીઓને કારણે અહીંના માર્કેટકાયમી ધોરણે મોંઘા થઈ ગયા છે. ખાસ કરીને રહેવા માટે ઘરોની કિંમત આસમાની ભાવોને સ્પર્શી રહી છે.
યુરોસ્ટેટના જણાવ્યા અનુસારએક વર્ષમાં 45 કરોડ લોકોએ ઈટલીમાં રોકાય છે. પોર્ટુગલમાં વર્ષે 48 કરોડ પ્રવાસીઓ આવીને રોકાય છે. જેના કારણે અહીંના સામાન્ય મકાનો પણ હોમસ્ટેમાં તબદીલ થઈ ગયા છે. આટલી માત્રામાં પ્રવાસીઓને રહેવાની સગવડ આપવા માટે 8000થી વધુ મકાનો સતત ટુરિઝમમાં તબદીલ થઈ ગયા છે. જેની સીધી અસર ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પર પડી રહી છે. યુરોસ્ટેટના રિપોર્ટ પ્રમાણે યુરોપના કુલ પ્રવાસીઓમાંથી 93 ટકા ઈટલી, 97 ટકા ફ્રાંસ, 89 ટકા બેલ્જિયમ જાય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં વધુ રોકાય છે. જેનું સીધું દબાણ યુરોપના હાઉસિંગ માર્કેટ પર પડ્યું છે. અહીં પ્રવાસીઓનો 33 ટકા ધસારો હોટલમાં જાય છે. જ્યારે 46 ટકા ધસારો સ્થાનિકો પર પડી રહ્યો છે.