તા.૩૦ સુધી નવરાત્રિમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ્કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ૩.૫ ઇંચ વરસાદ
થંડરસ્ટ્રોમની અસરથી ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઃ તાપમાનમાં પણ ઘટાડો
વડોદરા, તા.21 વડોદરામાં આજે મળસ્કે થંડરસ્ટ્રોમની અસરના પગલે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે સાંજે છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં.
વડોદરામાં નવરાત્રિ પહેલા વરસાદના કારણે ગરબા રસિકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. છેલ્લા બે દિવસથી હવામાનખાતાની આગાહી મુજબ વરસાદી માહોલ સાથે વરસાદ પડે છે. આજે મળસ્કે ચાર વાગ્યા પહેલા થંડરસ્ટ્રોમની અસર શરૃ થઇ હતી. વીજળીના ગભરાઇ નાંખે તેવા અવાજોથી શહેરીજનોની પણ ઊંઘ ઉડી ગઇ હતી. વીજળીના કડાકાભડાકા સાથે જ ધોધમાર વરસાદનું આગમન શરૃ થયું હતું. શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું હવામાનખાતાએ જણાવ્યું હતું.
પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં સિઝનનો ૯૭ ટકા વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધારે શિનોર તાલુકામાં તેમજ સૌથી ઓછો ડેસર તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં વાઘોડિયામાં ૩૨ મિમી, ડભોઇમાં ૧૫, પાદરામાં ૭, કરજણમાં ૫૦મિમી વરસાદ પડયો હતો.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વરસાદી માહોલના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૨.૬ ડિગ્રી ઘટીને ૩૦.૪ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાનમાં પણ ૨ ડિગ્રી ઘટીને ૨૩.૬ મિમી નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૭ અને સાંજે ૮૨ ટકા હતું. સૂત્રોએ કહ્યું હતું કે તા.૩૦ સુધી વરસાદનું જોર રહેશે. નવરાત્રિનો એક એક દિવસ વરસાદના કારણે ચિંતાનો રહેશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉદ્ભવતા તા.૨૬ પછી ભારે વરસાદ પડશે.