વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો
Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા અને પ્રતાપપુરા સરોવરના વરસાદી પાણી આવવાના કારણે નદીની સપાટી ઝડપભેર વધીને લગભગ 22 ફૂટે પહોંચી હતી. જે બાદ આજવા સરોવરના દરવાજા પરથી ઓવરફ્લો બંધ કરાતા તેમજ વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ બંધ થઈ જતા હાલ પૂરની પરિસ્થિતિમાંથી શહેરીજનો બહાર આવી ગયા છે. પરંતુ બીજી તરફ પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે.
ગત શુક્રવાર અને શનિવારના રોજ આજવા અને પ્રતાપપુરા સરોવરના કમાન્ડ એરિયામાં વિવિધ જગ્યાએ ભારે વરસાદ થવાના કારણે બંને સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. જેના કારણે આજવા સરોવરના દરવાજા પરથી પાણી વહેવાનું શરૂ હતું. તો ગત તારીખ 6 સપ્ટેમ્બરના રાત્રિના 11 કલાકથી પ્રતાપપુરા સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં મુશળધાર વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની સપાટી ઝડપભેર વધી હતી. વિશ્વામિત્રી નદીની સપાટી એક તબક્કે વધીને લગભગ 22 ફૂટે પહોંચી હતી અને જો ત્યારબાદ હજુ વધુ પાણીની આવક અને વરસાદ પડે તો સ્થિતિ ગંભીર થાય તેમ જણાયું હતું. જેના પગલે પાલિકા તંત્રએ ગત શનિવારના મોડીરાત્રીના આજવાના દરવાજા ઉપર લઈ તેમાંથી થતું ઓવરફ્લો બંધ કર્યું હતું. એવી જ રીતે, વડોદરામાં પણ વરસાદ ઘટી ગયો હતો. ગઈકાલ મોડી રાતથી વડોદરા શહેર તેમજ તમામ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. પરંતુ પ્રતાપપુરા સરોવરનું ઓવરફ્લો હાલ અટક્યું નથી. પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં અત્યંત ધીમો ઘટાડો થઈ રહ્યો છે. તંત્રએ એવો પણ દાવો કર્યો કે, જેમ જેમ પ્રતાપપુરા સરોવરમાં પાણીનું જળસ્તર ઘટવા લાગશે તેમ તેમ અહીંથી આઉટફલોનું લેવલ પણ ઘટશે. સાથે આજવા સરોવરથી આવતું પાણી બંધ થઈ ગયું છે. તેથી હવે ગણતરીના કલાકોમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધુ ઝડપથી ઘટે તેવું અનુમાન છે.
હાલ આજવા સરોવરની સપાટી 213.65 ફૂટ : તા.13 સપ્ટેમ્બર સુધી આજવા સરોવરનું લેવલ 212.50 ફૂટ રાખવાનું છે છતાં મોટેભાગે પાણી છોડાશે નહીં
હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17 ફૂટ જ્યારે આજવા સરોવરની સપાટી 213.65 ફૂટ જણાઈ રહી છે. તો પ્રતાપપુરા સરોવરની સપાટી 229.70 ફૂટ છે. પ્રતાપપુરા સરોવરનું લેવલ 222 ફૂટ થાય ત્યાં સુધી તેમાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં સતત છોડાતું રહેશે. અન્યથા તંત્રની જે અંતિમ સૂચના હશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ આજવા સરોવરમાં તારીખ 15 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટનું જળસ્તર જાળવવું અનિવાર્ય છે. પરંતુ હવે આગામી દિવસોમાં ખાસ વરસાદની કોઈ આગાહી ન હોવાના કારણે તથા આજવા સરોવર વડોદરા શહેરના બે ઝોનમાં પાણીનું અત્યંત મહત્વનું સ્ત્રોત હોવાથી હવે મોટેભાગે આજવા સરોવરનું જળસ્તર ઘટાડવાના બદલે તેનું 213.65 ફૂટનું લેવલ યથાવત રાખવાની વિચારણા થઈ રહી છે. કારણ કે તા.15 સપ્ટેમ્બરમાં એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે અને આવનાર સમયમાં શહેરમાં પાણીની તંગી ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને તથા ચાલુ સપ્તાહ દરમિયાન વરસાદની આગાહીના અનુરૂપ પરિસ્થિતિ જોઈ આજવા સરોવરમાંથી પાણી છોડવું કે નહીં ? તે અંગેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવશે.