Gujarat

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી

By GS TEAM
8 Jan 20262 mins read
જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી

સૌરાષ્ટ્ર-કચ્છના પેટાળમાં હલચલ વધી : 1 માસમાં 18 મોટા આંચકા પાંચપીપળા પાસે 6.1 કિ.મી.ઉંડાઈએ કેન્દ્રબિંદુ : ઈ. 2020માં ઉપલેટાથી આ જ દિશામાં 4.1નો તીવ્ર ભૂકંપ પણ આવ્યો હતો

રાજકોટ, : કચ્છમાં ઈ. 2001માં તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે 8.46 વાગ્યે આવેલા મહાવિનાશક ભૂકંપને આગામી તા. 26ના પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ડિસેમ્બર- 2025થી પૃથ્વીના પેટાળમાં ગતિવિધિ વધી છે. તાજેતરમાં તાલાલા ગીર પંથકમાં ઉપરાઉપરી ભૂકંપો બાદ આજે રાત્રિના 8.43 વાગ્યે ઉપલેટાથી 30  કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 3.3ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠતા કંપન અનુભવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા તો બીજી તરફ અમરેલીના ખાંભા પંથકમાં આજે સાંજે 1.9ની તીવ્રતાનો આંચકો પણ નોંધાતા ત્યાં પણ ભયનો માહૌલ જોવા મળ્યો હતો.

જેતપુર પાસે પાંચપીપળા ગામ નજીક જમીનથી માત્ર 6.1 કિ.મી. ઉંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ધોરાજીથી અહેવાલ મૂજબ  આશરે ૩ સેકન્ડ સુધી ધરતી ધુ્રજતી રહી હતી અને આસપાસના ગામોમાં પણ અર જોવા મળી હતી. આંચકો અનુભવાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. જ્યારે અમરેલીથી અહેવાલ મૂજબ અમરેલીથી 41 કિ.મી. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશાએ ખાંભા ગીર પંથકમાં આજે સાંજે 1.9નો આંચકો નોંધાયો છે. ઈંગોરાલા, નાની ધારા, નાના વિસાવદર સહિત ગામોમાં કંપન અનુભવાતા લોકો ઘરની બહાર દોડયા હતા. 

સૌરાષ્ટ્ર કચ્છમાં તા. 8 ડિસેમ્બરથી આજે તા. 8 જાન્યુઆરી સુધીમાં 2.5થી વધુ તીવ્રતાના તાલાલા પંથકમાં 7 સહિત 18 ભૂકંપ નોંધાયા છે અને તે ઉપરાંત અનેક નાના આંચકા પણ આવ્યા છે. 2.8નો આંચકો દક્ષિણ ગુજરાતના ભરૂચ પંથકમાં પણ આવ્યો હતો.