જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં 3 દિવસમાં 297 ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું
Jamnagar Ganesh Visharjan : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલ સુધીમાં કુલ 297 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ છે, ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે 172 સહિત ત્રણ દિવસમાં 224 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં ગઈકાલે ત્રીજા દિવસે 52 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ બે દિવસ દરમિયાન 73 સહિત બંને વિસર્જનકૂંડના કુલ 297 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે. જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.