સોની પાસેથી કારીગર રૃા. ૨૯ લાખનું સોનું લઇ ભાગી ગયો

અમદાવાદ, મંગળવાર
માણેકચોકના સોનીએ બંગાળી કારીગરને સોનાના દાગીના બનાવવા માટે બે મહિના પહેલા સોનું આપ્યું હતું, કારીગરે પંદર દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી હતી જો કે તેે દાનત બગાડીને સોનીનું રૃા. ૨૯ લાખનું સોનું લઇને નાસી ગયો હતો. વેપારીએ ફોન કરતાં મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો દાણીલીમડા ઘરે તપાસ કરતાં ભાડાનું મકાન ખાલી કરીને નાસી ગયો હતો. આ બનાવ અંગે ખાડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૩૨૫.૭૦૦ ગ્રામ સોનું લઇને પંદર દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી ઃ મોબાઇલ સ્વીચ ઓફ કરી ભાડાનું મકાન ખાલી કરી ફરાર ઃ ખાડિયા પોલીસે ગુનો નોંધ્યો
વાસણામાં અને માણેકચોકમાં સોનાના દાગીના બનાવીને વેચાણ કરવાનો વ્યવસાય કરતા યુવકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની અને દાણીલીમડામાં ભાડાના મકાનમાં રહેતા તથા માણેકચોકમાં ભાડે દુકાન રાખીને દાગીના બનાવવાનો ધંધો કરતા બકીબૂલ્લા શેખ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચાર વર્ષથી વેપારી પાસેથી સોનું લઇ જઇને દાગીના બનાવીના સમયસર આપી જતો હતો.
બે મહિના પહેલા વેપારીએ આરોપીને રૃા. ૨૯ લાખનું ૩૨૫.૭૦૦ ગ્રામ સોેનું દાગીના બનાવવા માટે આપ્યું હતું. આરોપીએ પંદર દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી હતી. પરંતું સમયસર દાગીના બનાવીને આપ્યા ન હતા જેથી વેપારીએ ફોન ઉપર સંપર્ક કરતાં આરોપીનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો બીજીતરફ તપાસ કરતાં માણેકચોરકની દુકાન અને દાણીલીમડાનું મકાન ખાલી કરીને નાસી ગયો હતો. આ ઘટના અંગે ખાડિયા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








