2840 લિટર બાયોડીઝલ પકડાયું : 4વાહનચાલક પણ ઝપટે ચડયા

ખડિયા નજીક ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફનો દરોડો : ટાંકા, રોકડ, 4 વાહન મળી કુલ 35.08 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સ પકડાયા : 1 હાજર ન મળ્યો
જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના ખડીયા નજીક સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી 2840 લિટર બાયોડીઝલ પકડી લીધુ હતું. વાહનોમાં બાયોડીઝલ પુરાવવા આવેલા 4 વાહનચાલકો પણ ઝપટમાં આવી ગયા હતા. પોલીસે ટાંકા, વાહનો, રોકડ મળી કુલ 35.08 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સને પકડી લીધા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ જૂનાગઢ જીલ્લામાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખડીયા-મેંદરડા રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે દેવા અભુ ઓડેદરા માણસો રાખી સસ્તા ભાવે જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ભરાવી આપતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસએમસીના સ્ટાફે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા જૂનાગઢ ડીવાયએસપી સહિતનો સ્ટાફ આ સ્થળે પહોંચ્યો હતો. ખડીયા નજીક શિવ મરીન સર્વિસ લખેલી જગ્યાએ દરોડો પાડતા ત્યાં ચાર ટ્રક કતારમાં ઉભા હતા અને બે શખ્સ ફ્યુઅલ મશીનમાંથી પ્રવાહી ભરતા હતા. પોલીસે ત્યાં હાજર મોટી મારડના વિપુલ ધીરૂ ચોવટીયા અને મંડલીકપુરના જયરાજ ટભાભા ભાટીની પૂછપરછ કરતા બંનેએ બાયોડીઝલ ફિલીંગ કરતા હોવાનું કબૂલીને કહ્યું કે આ ધંધાનું સંચાલન દેવા અભુ ઓડેદરા અને તેના ભાઈ હસમુખ અભુ ઓડેદરા કરે છે. હસમુખ ઓડેદરા બાયોડીઝલ વેંચાણનું લાયસન્સ ધરાવે એમ જણાવ્યું હતું. તપાસ દરમ્યાન હાજર નહી મળી આવેલા હસમુખ અભુ ઓડેદરાએ પોતાના નામથી આધારપરવાનો કઢાવી તેનો ભંગ કર્યો હોવાનું ખુલ્યું હતું. આ અંગે પુરવઠા વિભાગ અને એફએસએલને જાણ કરવામાં આવતા બંને વિભાગના સ્ટાફે ત્યાં પહોંચી નમૂના લીધા હતા.
આ મામલે એસએમસીના પીએસઆઈ જે.એચ. સિસોદીયાએ વિપુલ ધીરૂ ચોવટીયા, જયરાજ ટભા ભાટી, રહીમ ભીખુ સોઢા, મુના સાદુર થરેસા, યુવરાજ જીકા આરટીયા, વિજય કારૂ જાપડા, દિનેશ જીણા ચૌહાણ, દેવા અભુ ઓડેદરા અને હાજર નહી મળી આવેલા હસમુખ અભુ ઓડેદરા સામે ફરિયાદ નોંધાવી છે.
આ સમયે 4 વાહનચાલકો તથા તેના વાહન પણ ઝપટમાં આવી ગયા હતા. એસએમસીએ 1.98 લાખની કિંમતનું 2840 લિટર બાયોડીઝલ, 10,900 રૂપિયા રોકડા, 9 મોબાઈલ, ટાંકી તથા 32 લાખની કિંમતના 4 વાહન મળી કુલ 35.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.








