સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા

- 108 ઇમરજન્સી સેવા દ્વારા બે વર્ષના કેસના આધારે આગાહી
- અકસ્માત અને દુર્ઘટનાના બનાવોમાં દિવાળીઓ ૪.૧૦ ટકા, નૂતન વર્ષે ૧૦.૧૯ ટકા અને ભાઇબીજના દિવસે ૧૪.૨૮ ટકાનો ઉછાળો આવવાની સંભાવના
- સૌથી વધુ રાજકોટ, અમરેલી, જામનગર અને જૂનાગઢ જિલ્લા માટે ઇમરજન્સી કેસનું એલર્ટ
સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત આઠ જિલ્લામાં સંભવિત અકસ્માત અને દુર્ઘટનાના બનાવોમાં દિવાળીએ ૪.૧૦ ટકા, નૂતન વર્ષે ૧૦.૧૯ ટકા અને ભાઇબીજના દિવસે ૧૪.૨૮ ટકાનો ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં માર્ગ અકસ્માત, પ્રસુતિ, હૃદય રોગ, આગજની જેવી દુર્ઘટના અને અન્ય બિમારી કે તકલીફનો સમાવેશ થાય છે.
૧૦૮ ઇમરજન્સી સેવાના રાજકોટ ડિસ્ટ્રિક્ટ હેડ જયેશ કારેણાએ જણાવ્યું કે, સૌથી વધુ ઇમરજન્સી કોલ બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન આવતા હોય છે. હાલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ કોઇપણ ઘટનાના સ્થળે પહોંચવાનો સરેરાશ સમય ૧૪ મિનિટ અને ૩૦ સેકન્ડનો છે, જે શ્રેષ્ઠ રિસ્પોન્સ ટાઇમ તરીકે પ્રસ્થાપિત થયો છે. દિવાળી પર્વે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં પૂરતી દવાઓ અને અન્ય સામગ્રી સાથે ૧૦૮ એમ્બ્યુલન્સો સજ્જ રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે.