ધરોઇમાંથી પાણી છોડાતા જિલ્લામાં નદી કાંઠાના ૨૮ ગામો એલર્ટ

સાબરમતી નદીમાં પાણીની આવક વધી ઃ નાગરિકોને સાવધાન કરાયા
ગામોમાં માઇક મારફતે નદીમાં નહીં જવા સુચના અપાઇ, સંવેદનશીલ જગ્યાઓએ
ફાયર-પોલીસ પોઇન્ટ મુકાયો
ગાંધીનગર : ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં, સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ગાંધીનગરની ફાયર અને ઈમર્જન્સી ટીમ દ્વારા નદી કાંઠાના ગામોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાણ કરવામાં આવી રહી છે. તથા ગ્રામજનોને નદી કિનારે નહીં જવા માટે સ્પષ્ટ સુચના અપાઇ છે અને જરૃરી પોઇન્ટ પર બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે.
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં
વધારો થવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર
મેહુલ દવેએ તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંભવિત જોખમવાળા વિસ્તારોમાં
રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ
કામગીરીના ભાગરૃપે, ફાયર
એન્ડ ઈમર્જન્સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને
નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને નદીના કિનારા તરફ ન જવાની અપીલ કરવામાં આવી
રહી છે.
ગાંધીનગર તાલુકાના ૧૭ ગામો, જેમાં વાલદ,
રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પલજ, સાહુપુર, રતનપુર, લેકાવાડા, નવા ધરમપુર, સદરા, ધોળકવા, ઇન્દ્રોડા, બોરીજ, પિંપળજ અને
પીધરડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,
માણસા તાલુકાના ખાડત,
મહુડી, અનોડિયા, દોડીપાલ, લાકરોડા, વરસોડા, ગુણમા, અંબોડ, અમરપુરા અને
દેલવાડા અને કલોલ તાલુકાના આલુવા ગામનો પણ સમાવેશ થાય છે.તંત્ર દ્વારા આ તમામ
ગામોના સરપંચો, તલાટીઓ
અને સ્થાનિક આગેવાનોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં રહેતા
લોકોને સતત જાણ કરતા રહે અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તંત્ર સાથે તાત્કાલિક
સંપર્ક કરે તેવી પણ સુચના આપવામાં આવી છે.








