Gujarat

ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ

By GS TEAM
11 Aug 20251 min read
ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ

અમદાવાદ, સોમવાર

ઘોડાસર વિસ્તારમાં રહેતા વેપારી પરિવારજનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે વતન ગયા હતા અને અજાણી વ્યક્તિ બાથરુમની બારીનો કાચ કાઢીને મકાનમાં પ્રવેશ કરીને રોકડા રૃા. ૨૦ લાખ અને રૃા. ૮લાખના સોનાના દાગીના સહિત રૃા. ૨૮ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે વટવા પોલીસેં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

બેડરુમમાં કબાટ તોડી રોકડા ૨૦ લાખ અને ૮ લાખના સોનાના દાગીના ચોરી પાછળના દરવાજાથી પલાયન ઃ વટવા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

ઘોડાસરમાં રહેતા વેપારીએ વટવા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે રક્ષાબંધન પર્વ હોવાથી તા. ૮ના રોજ ઘરે લોક મારીને કપડવંજ વતનમાં તહેવાર ઉજવવા માટે ગયા હતા. ત્યારે ગઇકાલે રવિવારે તેમના પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે તમારા મકાનના બાથરુમની બારીનો કાચ કાઢેલો છે અને મકાનના પાછળનો દરવાજો પણ ખુલો હોવાથી ચોરી થઇ હોય તેમ લાગે છે.

સમાચાર મળતા વેપારી પરિવાર સાથે ઘરે આવીને તપાસ કરતા સર સામાન વેરવિખેર પડેલો હતો. બેડરુમમાં લાકડાના કબાટ, તિજોરી અને લોકર ખુલ્લા હોવાથી તપાસ કરતા સોનાના રૃા. ૮ લાખના દાગીના અને રોકડા રૃા. ૨૦ લાખની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. તપાસ કરતાં બાથરુમની બારીનો કાચ કાઢીને અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપીને મકાનના પાછળના દરવાજાથી નીકળી ગયા હતા.