૨૭ વર્ષના યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત
પિતા અને પાડોશીએ દરવાજો તોડીને બહાર કાઢ્યો
વડોદરા,પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૨૭ વર્ષના યુવાને ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ વૈકુંઠ સોસાયટીની બાજુમાં શિવમ હોમ સોસાયટીમાં રહેતો ૨૭ વર્ષનો નિકુલપુરી ભગવાનપુરી ગોસ્વામી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા ગેરેજ મિકેનિક છે. તેની મોટી બહેનને પગમાં ફ્રેક્ચર થયું હોઇ હાલમાં તે ઘરે છે. બપોરે ૧૨ વાગ્યે ભાઇ - બહને ઘરે સોફા પર બેઠા હતા. ત્યારબાદ નિકુલપુરી અંદરની રૃમમાં જતો રહ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાર વાગ્યા સુધી તેણે દરવાજો નહીંં ખોલતા બહેને તિરાડમાંથી જોયું તો ભાઇ લટકતો હતો. તેણે પિતાને કોલ કરીને બોલાવ્યા હતા. પિતાએ ઘરે આવીને પાડોશીની મદદથી દરવાજો તોડીને પુત્રને બહાર કાઢ્યો હતો.પરંતુ,તે પહેલા જ તેનું અવસાન થયું હતું.