કતારગામમાં 27 વર્ષની પરિણીતા ગરબા રમતી વેળા ઢળી પડતા મોત
- સુરતમાં વધુ બે વ્યક્તિએ અચાનક જીવ ગુમાવ્યો
- લગ્નપ્રસંગ
ટાણે ગમગીની છવાઇઃ અમરોલીમાં છાતીમાં દુઃખાવા બાદ 34 વર્ષના યુવાનનું મોત
સુરત, :
સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે કતારગામમાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતી વખતે ૨૭ વર્ષીય પરણીતા અને અમરોલીમાં છાતીમાં દુખાવો થયા બાદ ૩૪ વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થયા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં ગોપીનાથ સોસાયટીના ગેટ નં-૫ ખાતે રહેતો ૨૭ વર્ષીય હિલોની ચિરાગ જાબુકીયા અને તેના પતિ સાથે રવિવારે રાતે કતારગામ ખાતે જ્ઞાાનબાગ પાર્ટી પ્લોટમાં પતિના મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. તે સમયે ત્યાં ગરબા રમતી વખતે હિલોનીની અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગઇ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. હિલોની મુળ ભાવનગરમાં વલ્લભીપુરની વતની હતી. તેના થોડા માસ પહેલા લગ્ન થયા હતા. તેના પતિ રત્નકલાકાર છે.
બીજા બનાવમાં અમરોલીમાં કોસાડ ખાતે ભગુનગર પાસે પંચવટી સોસાયટીમાં રહેતો ૩૪ વર્ષીય રોહિત કાંન્તાપ્રસાદ ગોયેલ આજે વહેલી સવારે ઘરેમાં છાતીમા ંદુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જયારે રોહિત મુળ રાજસ્થાનમાં ભરતપુરનો વતની હતો. તેને બે સંતાન છે. તે શાકભાજીનું વેચાણ કરતો હતો.