Gujarat

શહેરમાંથી બિયરના 266 ટીન અને દારૂની 16 બોટલ ઝડપાઈ

By GS TEAM
19 Jun 20251 min read
શહેરમાંથી બિયરના 266 ટીન અને દારૂની 16 બોટલ ઝડપાઈ

અલગ-અલગ છ બનાવમાં પોલીસે ગુનો નોંધ્યો

એક મહિલા સહિત કુલ 8 શખ્સો સામે ગુનો નોંધાયોઃ કુલ રૂ.1.65 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર: ભાવનગર શહેરમાં અલગ-અલગ કુલ છ બનાવોમાં પોલીસે બિયરના ૨૬૬ ટીન અને દારૂની ૧૬ બોટલ સાથે એક મહિલા સહિત ૮ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. 

શહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયાના પ્રથમ બનાવની એવી છે કે, છકડો રિક્ષામાં વિદેશી દારૂ ભરીને તળાજા તરફ આવતો હોવાની બાતમીના આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચે ભાવનગર-તળાજા હાઈ-વે પર વોચ ગોઠવી હતી અને જીજે.૦૪.એયુ.૭૦૦૪ નંબરના છકડો રિક્ષાને અટકાવી તેમાંથી બિયરના ૨૬૪ ટીન સાથે જયદીપ દિનેશભાઈ ચૌહાણ, મહાવીર દેવરાજભાઈ બારૈયા અને શૈલેષ વાલાભાઈ મંગેળા (ત્રણેય રહે.તળાજા)ને કુલ રૂ.૧,૫૮,૦૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તો, શહેરના વડવા વાસણઘાટ પાસેથી અરવીંદસિંહ ભીખુભા હાડા (રહે.સંઘેડિયા બજાર)ને દારૂના ત્રણ ચપટાં સાથે તથા નિર્મળનગર માધવરત્ન બિલ્ડિંગ પાસે બિયરના બે ટીન સાથે બેનુ મેઘા નાયક (હાલ રહે.સમરસ હોસ્ટેલ બાજુમાં, મુળ રહે.ઓડિસા)ને નિલમબાગ પોલીસે ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ અલગ-અલગ ગુના નોંધ્યા હતા. તેમજ ઘોઘારોડ ગૌશાળા શેરી નં.૨માંથી નિલેશ વાધાભાઈ ચૌહાણના મકાનમાંથી દારૂની ત્રણ બોટલ તથા આડોડિયાવાસમાં રહેતા નવીન મોહનભાઈ રાઠોડના મકાનમાંથી દારૂની ૮ બોટલ અને કવિતાબેન ભરતભાઈ રાઠોડના મકાનમાંથી દારૂની બે બોટલો ઘોઘારોડ પોલીસે ઝડપી લઈ ત્રણેય વિરૂદ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધી હતી.