Get The App

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત 1 - image

- મનપાની ચૂંટણી માટે શહેરમાં વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી 

- 17 સપ્ટેમ્બર 2025 નો પ્રાથમિક આદેશ 16 ઓક્ટોબરે રાજકીય પક્ષો સાથે પરામર્શ બાદ આખરી ઠેરવવામા આવ્યો

આણંદ : રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૦૯-૨૦૨૫ના આદેશથી કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ જાહેર જનતાની જાણ અને સૂચનો માટે નિર્ધારિત સ્થળોએ અને તારીખ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમજ આદેશની પ્રસિદ્ધીની તારીખથી ૧૦ દિવસમાં જાહેર જનતાને કોઈ સૂચનો હોય તો મોકલી આપવા અને એક નકલ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરને મોકલવાની હતી. 

આ આદેશ સંબંધિત આયોગનો મળેલા સૂચનો આયોગે વિચારણામાં લીધાં હતા અને રાજકીય પક્ષો સાથે ૧૬-૧૦-૨૦૨૫ના રોજ પરામર્શ કર્યો હતા. જે બાદ કરમસદ-આણંદ મહાપાલિકાના વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેના ૧૭-૦૯-૨૦૨૫ના પ્રાથમિક આદેશમાં ફેરફાર સાથે મહાપાલિકાના વોર્ડોનું સીમાંકન અને વોર્ડોની હદરેખા નક્કી કરવા અને વોર્ડ મુજબ બેઠકોની ફાળવણી (અનામત બેઠકો સહિત) માટે ૧૭-૦૯-૨૦૨૫નો પ્રાથમિક આદેશ આખરી ઠરાવ્યો છે. 

વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ, કરમસદ-આણંદ મહાનગરપિલાકાના જુદાજુદા ૧૩ વોર્ડની વસ્તી અને દરેક વોર્ડમાં અનુસૂચિત જાતિની વસતી, અનુસૂચિત જનજાતિની વસતી અને કલેક્ટર તરફથી મળેલા મનપા વિસ્તારના પછાતવર્ગની વસતીની માહિતી આધારે કરમસદ-આણંદ મનપાના જુદા જુદા ૧૩ વોર્ડમાં પછાતવર્ગની વસતી અને તેની ટકાવારી મુજબ વોર્ડના ક્રમાંક નક્કી કરવામાં આવ્યા છે. 

 કરમસદ-આણંદ મહાપાલિકાની બેઠકોની સંખ્યા 

જાહેરનામા મુજબ ફાળવેલી બેઠકો

(૧) કુલ વોર્ડ - ૧૩ 

(૨) કુલ બેઠક - ૫૨ 

(૩) અનુસૂચિત જાતિ - ૨ 

(૪) અનુસૂચિત જન જાતિ - ૨

(૫) પછાત વર્ગ  - ૧૪ 

(૬) બિન અનામત  - ૩૪ 

જાહેરનામા મુજબ ફાળવેલી બેઠકોમાં સ્ત્રીઓ માટે અનામત રાખેલી બેઠકો 

(૧) અનુસૂચિત જાતિ સ્ત્રી - ૧

(૨) અનુસૂચિત જન જાતિ સ્ત્રી -  ૧

(૩) પછાત વર્ગ સ્ત્રી -  ૭

(૪) સામાન્ય સ્ત્રી -  ૧૭