ગુજરાતના 26 સાંસદો એક વર્ષમાં 95 ટકા ફંડ ન વાપરી શક્યા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ
ADR's Report, Gujarat: ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં કરેલા કાર્યો અને તેમાં થયેલા ખર્ચને લઈને બજેટ અંગેનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં પ્રજાના હિતમાં અને પોતાના વિસ્તારના વિકાસના બજેટમાંથી ફક્ત 26 સાંસદોએ એક વર્ષમાં ફક્ત 4.2 ટકા જ ફંડનો ઉપયોગ કર્યો છે અને 95.8 ટકા ફંડ વાપરી ન શક્યા હોવાનું સામે આવ્યું છે.
26 સાંસદો 95.8 ટકા ફંડ વાપરી ન શક્યા
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા મેમ્બર ઑફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ (MPLADS)ના વપરાયેલા ફંડને લઈને જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, ગુજરાતના 26 સાંસદોના કુલ 254.8 કરોડ રૂપિયા ફંડમાંથી 10.72 કરોડ રૂપિયા જ ખર્ચ્યા છે. સાંસદોના ખર્ચના રિપોર્ટને લઈને કોંગ્રેસે અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ વિકાસની રાજનીતિ કરે છે તો વિકાસ તો થતો નથી.
રિપોર્ટ અનુસાર, આ તમામ સાંસદોએ 3823 કામમાંથી માત્ર 93 જ કામ કર્યા છે. જેમાં સૌથી વધુ ભરૂચ સંસદીય વિસ્તારોમાં 1.73 કરોડ ખર્ચાયા હોવાનું સામે આવ્યું છે.
જ્યારે કોંગ્રેસના સવાલોને લઈને ભાજપે જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાંસદોએ પોતાના બજેટનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં સાંસદોએ કરેલા કાર્યોમાં 25 કરોડ રૂપિયાની ઘટના વર્તાઈ છે. જેમાં 14000 ગામડાંઓ માંથી 9000 જેટલાં ગામડાઓમાં કામો કર્યા છે.