Gujarat

પલટી ગયેલી કારમાંથી દારૂની 250 બોટલોનો જથ્થો પકડાયો

By GS TEAM
3 Jul 20251 min read
પલટી ગયેલી કારમાંથી દારૂની 250 બોટલોનો જથ્થો પકડાયો

કપડવંજના થવાદથી વિષ્ણુપુરા લાટ રોડ પર

ઢેકિયા ગામ તરફ કાર જતી હતી : અકસ્માત બાદ કાર મૂકી ચાલક ફરાર થઈ ગયો

કપડવંજ: કપડવંજના થવાદથી વિષ્ણુપુરા લાટ રોડ પર પલટી ગયેલી કારમાંથી દારૂની ૨૫૦ જેટલી બોટલો પોલીસને મળી આવી હતી. જો કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે કપડવંજ ગ્રામ્ય પોલીસે દારૂનો જથ્થો, કાર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. 

કપડવંજ તાલુકાના થવાદથી વિષ્ણુપુરા લાટ તરફના રોડ પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન કાર અચાનક પલટી ખાઈને પાસેના ખેતરમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતા આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પલટી ખાઈ ગયેલી કારમાંથી જડતી કરતા અંદાજે ૧૦૦ જેટલા ઈંગ્લીશ દારૂના ટીન અને ૧૫૦ જેટલા ઈંગ્લીશ દારૂના ક્વાટરિયા કારમાંથી મળી આવ્યા હોવાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર દારૂ ભરેલી પલટી ગયેલી કાર વઘાસ નજીક ઢેકિયા ગામ તરફ જતી હતી. વધુ તપાસ માટે કારને કપડવંજ રૂરલ પોલીસ મથકે લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે જાનહાનિ ટળી હતી પરંતુ, કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.