ભરુચમાં દુઃખદ ઘટના : 25ની જગ્યાએ 21 મિનિટમાં પોલીસની દોડ પૂરી કરનાર યુવકનું હાર્ટ એટેકથી મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch News : ભરુચ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી PSI અને લોક રક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. શારીરિક કસોટીના ભાગરૂપે દોડના ત્રીજા રાઉન્ડમાં જ એક 25 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું, જેના પગલે ભરતી સ્થળ પર શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પર 21 જાન્યુઆરીથી PSI અને LRDની ભરતી માટે શારીરિક કસોટીઓ ચાલી રહી છે, જેમાં રાજ્યભરમાંથી ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. આ ભરતી પ્રક્રિયામાં વડોદરા SRP ગ્રુપ-1માં ASI તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ જાડેજાના 25 વર્ષીય પુત્ર રવિરાજસિંહે પણ ભાગ લીધો હતો. તેણે 25 મિનિટની જગ્યાએ 21 જ મિનિટમાં આ દોડની પરીક્ષા પાસ કરી લીધી હતી. જોકે તેના બાદ તેને અચાનક હાર્ટએટેક આવી ગયું હતું.
દોડના ત્રીજા રાઉન્ડ દરમિયાન રવિરાજસિંહ અચાનક જ મેદાન પર ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર સ્ટાફે તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અણધારી ઘટનાને પગલે પોલીસ બેડામાં અને ઉમેદવારોમાં ગમગીનીનો માહોલ ફેલાઈ ગયો છે.









