Gujarat

પહેલા તબક્કાની પ્રવેશ કાર્યવાહીમાં યુનિ.ની ૨૫ ટકા જેટલી બેઠકો ખાલી

By GS TEAM
20 Jun 20252 mins read
પહેલા તબક્કાની  પ્રવેશ કાર્યવાહીમાં યુનિ.ની ૨૫ ટકા જેટલી બેઠકો ખાલી

વડોદરાઃ જીકાસ પોર્ટલ આધારિત પ્રવેશ કાર્યવાહીમાં એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયની બેઠકો ઓછી ભરાઈ છે તે ફેકલ્ટીઓમાં આર્ટસની સાથે સાથે સાયન્સ, હોમસાયન્સ ફેકલ્ટીનો પણ સમાવેશ થાય છે.

મળતી વિગતો પ્રમાણે સાયન્સ ફેકલ્ટીમાં ગ્રાન્ટ ઈન એઈડ અને સેલ્ફ ફાઈનાન્સ મળીને કુલ ૯૮૬ બેઠકો પર વિદ્યાર્થીઓએ ફી ભરી છે અને હજી ૬૦૦ કરતા વધારે બેઠકો ખાલી પડી છે.આ જ રીતે હોમસાયન્સમાં પણ ૪૨૦ની સામે ૨૮૮ જેટલી બેઠકો ભરાઈ છે.સામાન્ય રીતે હોમસાયન્સમાં પ્રવેશ માટે પડાપડી થતી હોય છે.પરફોર્મિંગ આર્ટસમાં અને ફાઈન આર્ટસમાં એડમિશન પર કોઈ ખાસ અસર થઈ નથી.પરફોર્મિંગ આર્ટસમાં બેચલર કોર્સની કુલ ૧૦૦ બેઠકો પૈકી ૮૦ ભરાઈ ગઈ છે.જ્યારે ફાઈન આર્ટસમાં પણ ૧૦૮ જેટલી બેઠકો પર વિદ્યાર્થીઓએ ફી ભરી છે.ફાઈન આર્ટસને સંલગ્ન એમઆરઆઈડીમાં હજી ૮૦ પૈકીની ૩૦ બેઠકો ખાલી છે.આ બેઠકો ભરવા માટે ફેકલ્ટી સત્તાધીશોએ આજે ફરી પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતું.આમ એકંદરે એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશના પહેલા તબક્કા બાદ ૧૨૬૩૪ પૈકી ૯૭૫૯ બેઠકો ભરાઈ છે અને ૨૫ ટકા જેટલી બેઠકો ખાલી રહી છે.

જીકાસ પોર્ટલ સામે અસંતોષનો સૂર

જીકાસની હેલ્પલાઈન પર યોગ્ય જવાબ  મળતો નથી 

સરકારી યુનિવર્સિટીઓની હજારો બેઠકો ખાલી અને બીજી તરફ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

ઉલ્લેખનીય છે કે, જીકાસ પોર્ટલ પરની પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓ ગૂંચવાતા હોવાથી પ્રવેશ લેનારાની સંખ્યા ઓછી હોવાનો સૂર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ઉઠી રહ્યો છે.એનએસયુઆઈનું કહેવું છે કે, ફોર્મ ભરવામા,ચોઈઝ ફિલિંગમાં મૂંઝવણ અનુભવે છે પરંતુ જીકાસના હેલ્પલાઈન નંબર પર વાલીઓ અને વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.યુનિવર્સિટીઓને પણ જીકાસ સાથે સંકલન કરવામાં મુશ્કેલી પડી રહી છે.એક તરફ હજારો બેઠકો ખાલી છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે તો ખાનગી યુનિવર્સિટીઓમાં નાછૂટકે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની ફરજ પડી રહી છે.જીકાસનો હેતું ખાનગી યુનિવર્સિટીઓને લાભ પહોંચાડવાનો છે કે કેમ? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

કઈ ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ

આર્ટસ ૧૦૩૧

કોમર્સ ૬૮૪૪

એજ્યુકેશન ૧૪૯

હોમસાયન્સ ૨૮૮

ફાઈન આર્ટસ ૧૦૮

જર્નાલિઝમ ૨૯

લો ૧૮૯

પરફોર્મિંગ આર્ટસ ૮૦

સાયન્સ ૯૮૬

સોશ્યલ વર્ક ૩૭