એક દિવસમાં પામોલીનમાં 25, સરસવ તેલમાં 60 રૂ।.નો કડાકો
માત્ર સિંગતેલના ભાવમાં નિકાસજન્ય વધારો : નફાખોરીથી ગુજરાતને સ્થાનિક તેલ મળે છે મોંઘુ, અન્ય તેલમાં ઘટાડો ત્યારે સિંગતેલમાં બે દિવસમાં 20નો વધારો
રાજકોટ, : કપાસિયા, સરસવ, પામ સહિતના ખાદ્યતેલોના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યુ છે અને આજે એક દિવસમાં પામ તેલમાં રૂ।.૨૫ અને સરસવ તેલમાં રૂ।. 60નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. તો ગુજરાત જેમાં આત્મનિર્ભર છે અને દેશભરમાં સર્વાધિક ઉત્પાદન કરે છે તે સિંગતેલના ભાવમાં વધુ નફો મેળવવા નિકાસ થતા તેના ભાવમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે.
ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં સરસવ તેલ (મસ્ટર્ડ ઓઈલ)નો મહત્તમ ઉપયોગ થાય છે અને ગુજરાતમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરો સહિતના લોકો પણ આ તેલનો વપરાશ કરતા હોય છે. ઉત્તરપ્રદેશમાં ગઈકાલે પ્રતિ લિટર 161ના ભાવે મળતા તેલમાં રૂ।. 4નો ઘટાડો નોંધાયો છે તો રાજકોટમાં પણ પ્રતિ કિલોએ રૂ।. 4નો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં ગઈકાલે રૂ।.2490-2510ના ભાવે વેચાતું સરસવ તેલ આજે રૂ।.2430-2450ના ભાવે સોદા થયા હતા.
આ સાથે પામતેલમાં પણ ઘટાડાનું વલણ રહ્યું છે અને આજે એક દિવસમાં 15 કિલો ડબ્બે રૂ।. 25નો ઘટાડો થતા નવાભાવ રૂ।. 2430-2435નોંધાયા છે. જ્યારે કપાસિયા તેલમાં આજે રૂ।. 10નો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ગુજરાતમાં સૌથી વધુ પાકતા અને સૌથી વધુ ખવાતા સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ।. 20નો વધારો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીન સહિત દેશોમાં રેકોર્ડબ્રેક નિકાસ થતા દેશવાસીઓને આ સ્થાનિક તેલ મોંઘુ મળી રહ્યું છે.