- તંત્રની નોટિસ છતાં દુકાનદારોનો અડિંગો
- ભાડા પટ્ટાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વેપારીઓએ શરતોનો ભંગ કરી પેટા ભાડે દુકાનો પધરાવ્યાનો આક્ષેપ
નડિયાદ : નડિયાદમાં વોર્ડ નંબર ૧૧માં આવેલું ઉડેવાળ તળાવ અત્યારે વિવાદ અને ભયના ઓથાર હેઠળ છે. તળાવના કિનારા પર વર્ષ ૧૯૭૦માં બાંધવામાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોરની ૧૨ અને પ્રથમ માળની ૧૩ દુકાનો અને બાંધકામ અત્યંત જર્જરીત અવસ્થામાં હોવા છતાં, કબજો ખાલી કરવામાં પાલિકા તંત્ર અને ભાડૂઆતો વચ્ચે લાંબા સમયથી 'ગજગ્રાહ' ચાલી રહ્યો છે. ૫૬ વર્ષ જૂનું આ બાંધકામ હવે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ દુકાનોના ભાડા પટ્ટાની મુદત વર્ષો પહેલા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અને અનેક વેપારીઓએ શરતોનો ભંગ કરીને પેટા ભાડે દુકાનો પધરાવી દીધી હોવાની ચર્ચાઓ થઈ રહી છે, જ્યારે પાલિકાનો પ્રત્યક્ષ કબજો હજુ સુધી માત્ર કાગળ પર જ રહ્યો છે.
આ સંકુલના પ્રથમ માળે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સની હાલત એટલી ભયજનક હતી કે, ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને તેને તાકીદે ખાલી કરાવવા પડયા હતા. તંત્ર દ્વારા જાહેર નોટિસ આપીને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૧૮૨ મુજબ બાંધકામ દૂર કરવા આદેશ કરાયો હતો, પરંતુ દુકાનદારોએ આ નોટિસને ઘોળીને પી લીધી છે.
ઉડેવાળ તળાવ પાસે રામજી મંદિર અને ગીતા મંદિર જેવા ધામક સ્થળો હોવાથી અહીં સતત દર્શનાર્થીઓની ભીડ રહે છે, જો આ જર્જરીત મકાનનો કોઈ ભાગ પડે તો નિર્દોેષ નાગરિકોના જીવ જવાની પૂરી શક્યતા છે. મુખ્ય બજાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલી આ મિલકતો પાસે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની છે. વેપારીઓ દ્વારા રસ્તા પર વાહનોનું પાકગ અને દબાણ કરવામાં આવતું હોવાથી અવરજવર કરતા નાગરીકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તત્કાલિન પાલિકાની સામાન્ય સભાના ૩૦-૧૨-૨૦૨૨ના રોજ ઠરાવ નંબર ૬૭ મુજબ, આ તમામ મિલકતોનો ખાલી કબજો મેળવીને જર્જરીત માળખું તોડી પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. લાંબા સમયથી ભાડું ન ભરનારા અને સરકારી મિલકત પર કબ્જો જમાવી બેઠેલા તત્વોએ ઠરાવ કર્યા બાદ નોટિસો ફટકાર્યા પછી ૩ વર્ષથી દુકાનો ખાલી કરી નથી. બીજીતરફ તત્કાલિન નગરપાલિકા અધિકારીઓ અને હવે મહાનગરપાલિકાના ઉચ્ચાધિકારીઓ પણ આ પરત્વે યોગ્ય કાર્યવાહી કરવામાં ઉણાં ઉતર્યા છે. ત્યારે શહેરમાં તળાવ પરની આ જર્જરીત દુકાનોમાં કોઈ હોનારત સર્જાશે, તો તેની માટે કોણ જવાબદાર ? તે મોટો પ્રશ્ન બન્યો છે.
તળાવની સાફ-સફાઈમાં બાધક બનતી દુકાનો
ઉડેવાળ તળાવના કિનારે થયેલા આ બાંધકામને કારણે તળાવની અંદર જવા માટેનો કોઈ માર્ગ બચ્યો નથી. પરિણામે તળાવમાં પુષ્કળ પ્રમાણમાં વેલો અને ગંદકી જમા થાય છે, જેની સમયસર સાફ-સફાઈ કરવી તંત્ર માટે અશક્ય બની ગઈ છે. જળ સ્ત્રોતની જાળવણી માટે પણ આ દબાણો દૂર કરવા અનિવાર્ય બન્યા છે.
2017 ની દુર્ઘટના બાદ પણ તંત્ર નિદ્રાધીન
વર્ષ ૨૦૧૭માં નડિયાદમાં પડેલા ભારે વરસાદ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે એક યુવતીનું અવસાન થયું હતું. તળાવ અને કાંસ પર થયેલા બાંધકામો પાણીના પ્રવાહને રોકે છે, જે ચોમાસામાં શહેર માટે આફત સમાન સાબિત થાય છે. તેમ છતાં પાલિકાના અમુક વિભાગો હજુ પણ આ ગંભીર મુદ્દે ઢીલી નીતિ અપનાવી રહ્યાં હોય તેવું જણાય છે.
દુકાનદારો મેળા દરમિયાન ગેરકાયદેસર પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ
આ સમગ્ર મામલે લોકોમાં ચાલી રહેલી રાવ મુજબ, મેળા દરમિયાન આ તમામ ભાડાપટ્ટો પૂર્ણ થઈ ગયો હોવા છતાં અડ્ડો જમાવીને બેઠેલા દુકાનદારો નાના લારી-પાથરણાંવાળાને દુકાનની બહાર બેસવા દેવા માટે તોતિંંગ પૈસા દૈનિક ધોરણે વસૂલી રહ્યાં છે. એકતરફ મહાનગરપાલિકાએ નાના વેપારીઓને ભાડામાંથી મુક્તિ આપી છે, ત્યારે બીજીતરફ દુકાનદારોની આ ગેરકાયદેસર વસૂલાતના કારણે નાના ધંધાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. મેળા દરમિયાન પારસ સર્કલથી માંડી અને સંતરામ થઈ બસ સ્ટેન્ડ તરફના અનેક દુકાનદારો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ગેરરીતિઓ અંકુશમાં લેવા યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.


