કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને ૨૪ લાખ પડાવી લીધા
કોલેજમાં ફી જમા કરાવી હોવાની ખોટી રિસિપ્ટ બનાવીને આપી
વડોદરા,કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને અટલાદરામાં ફોરેક્સ પેમેન્ટની ઓફિસ ચલાવતા ભેજાબાજે ૨૪ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
નિઝામપુરા સ્વામિનારાયણ નગરમાં રહેતા વેપારી જયંતકુમાર રમણભાઇ ઠક્કરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પુત્ર શાલિનને વધુ અભ્યાસ માટે વિદેશ જવાનું હોવાથી અમે કેનેડાના જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એડમિશનની કામગીરી કરી હતી. તા. ૦૭ - ૦૬ - ૨૦૨૪ ના રોજ જ્યોર્જ બ્રાઉન કોલેજનો એડમિશન લેટર આવ્યો હતો. કોલેજની એડમિશન ફી ભરવાની હોવાથી અમે અટલાદરા વિસ્તારમાં બાલાજી કોમ્પલેક્સમાં આવેલી ખુશી ફાઇનાસિયલ સોલ્યુશન નામની ઓફિસમાં ગયા હતા. જેના માલિક વિપુલ ચૌહાણને મળ્યા હતા. તેમણે ફી ભરવાના ૨૪.૪૭ લાખ રૃપિયા થશે. તેવું જણાવી કહ્યું હતું કે, તમે મારા એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરી દેજો. જે રૃપિયા હું કોલેજમાં સમયસર ટ્રાન્સફર કરી તેની પાવતી તમને આપીશ. ત્યારબાદ વિપુલ ચૌહાણે મને કહ્યું કે, મારો મિત્ર વિજય પરમાર હાલ કેનેડામાં છે. તે કોલેજનું કામ કરે છે. મેં વિજયને કોલ કરતા તેણે જણાવ્યું હતું કે, તમારૃં કામ પ્રોસેસમાં છે. તમારા રૃપિયા કેનેડાની બેન્કમાં અટવાયા છે. બેન્કમાંથી ક્લીયર થતા તમારૃં કામ થઇ જશે. ત્યારબાદ બંને ગોળ ગોળ જવાબ આપતા હતા. જેથી, તેણે આપેલી બેંકમાં રૃપિયા જમા કરાવ્યાની રિસિપ્ટ બેન્કમાં જઇને બતાવતા તે ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. વિપુલે કોલેજની ફી ભર્યાની આપેલી રિસિપ્ટ પણ ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું.
કોર્ટે હુકમ કર્યા પછી પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,
વિપુલ સામે અગાઉ અકોટા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદની ચાર્જશીટ થઇ ગયી હતી. જે કોર્ટમાં કેસ ચાલતો હોઇ તે કોર્ટના જજ દ્વારા અકોટા પોલીસને હુકમ કર્યો હતો કે, અકોટાના કેસના ફરિયાદી ઉપરાંત (૧) પિનાકીન લલ્લુભાઇ રાઠોડ (૨) ભરતકુમાર દત્તુરાવ દળવી (૩) ભાવના ધર્મેશભાઇ પટેલ (૪) રિન્કુ ધર્મેશભાઇ રાઠોડ (૫) શાલિન જયંતભાઇ ઠક્કર (૬) કેયૂર વિનોદભાઇ વેકરિયા અને (૭) એડવીન જેવીયર લ્યુસવી પણ ભોગ બન્યા હોઇ અલગ ફરિયાદ નોંધી ચાર્જશીટ કરવી. જેના આધારે છાણી પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.