અમદાવાદઃ શહેરમાં શ્રાવણ મહિનાનો જુગાર રમતા અનેક લોકો પોલીસના હાથે પકડાય છે. ત્યારે શહેરમાં પોલીસે ચાર સ્થળોએથી 24 શકુનીઓને ઝડપીને 2 લાખ 14 હજાર 480 રૂપિયાનો કુલ મુદ્દામાલ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં શ્રાવણ મહિનાનો જુગાર રમતાં લોકોને પકડી પાડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. જેથી શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શહેરના વિવિધ એરિયામાં જુગાર રમતા શખ્સોની બાતમી મળી હતી. સાબરમતિ રિવરફ્રન્ટ પાસે જાડી જાંખરામાં હરેન્દ્ર રાજપૂત નામનો શખ્સ 6 શખ્સોને બેસાડીને જુગાર રમાડતો હતો. ત્યાં પોલીસે રેડ કરીને 6 જુગારીઓને રોકડ મુદ્દામાલ અને વાહન સહિત કુલ 1,97,230નો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજી તરફ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં પણ જુગારીયાઓ પકડાયાં છે.
થલતેજ ચાર રસ્તા પાસે સ્મશનની બાજુમાં ખુલ્લી જગ્યામાં બેસીને જુગાર રમતાં 6 શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમવાની શરુઆત થતાં જ પોલીસ ત્રાટકી હતી અને જુગારીયાઓ પાસેથી 550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે પોલીસે વેજલપુરમાંથી પણ શ્રાવણિયો જુગાર રમતા આઠ શકુનીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 14570 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે વાડજમાંથી ચાર જુગારીયાઓને ઝડપીને પોલીસે 2130 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ કુલ 24 જુગારીયાઓને પકડીને પોલીસે 2 લાખ 14 હજાર 480 રૂપિયાનો કુલ મુદ્દામાલ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


