Gujarat

નેશનલ રીડિંગ ડેઃ વડોદરા રાજ્યમાં 1947 સુધીમાં 2300 લાઈબ્રેરીઓ સ્થપાઈ હતી

By GS TEAM
18 Jun 20253 mins read
નેશનલ રીડિંગ ડેઃ વડોદરા રાજ્યમાં 1947 સુધીમાં 2300 લાઈબ્રેરીઓ સ્થપાઈ હતી

વડોદરાઃ લાઈબ્રેરી મૂવમેન્ટ અને સાક્ષરતા માટેની ચળવળ શરુ કરનારા કેરાલાના શિક્ષક પી સી પનિકરની યાદીમાં તા.19 જૂનનો દિવસ નેશનલ રીડિંગ ડે તરીકે ઉજવાય છે.આ દિવસે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાં શરુ કરાયેલી લાઈબ્રેરી મૂવમેન્ટ પણ એટલી જ નોંધપાત્ર હતી. ગાયકવાડી શાસન દરમિયાન વડોદરા રાજ્યમાં ૧૯૧૦થી ૧૯૪૭ દરમિયાન  રાજ્ય દ્વારા નાની મોટી ૨૩૦૦ જેટલી લાઈબ્રેરીઓ  સ્થપાઈ હતી અને આ પૈકીની ૪૯ જેટલી લાઈબ્રેરીઓ તો એકલા વડોદરામાં જ હતી.એક અંદાજ પ્રમાણે આજે વડોદરામાં ૧૪ જેટલી મોટી પબ્લિક લાઈબ્રેરીઓ છે, 

વડોદરાના આર્ટ  હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટિલે લાઈબ્રેરી મૂવમેન્ટ પર સંશોધન કર્યું છે અને તેમનું કહેવું છે કે,  આજે આ ૨૩૦૦ પૈકી ૫૦ ટકા લાઈબ્રેરીઓ હયાત નથી. ગાયકવાડી શાસન દરમિયાન વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરીના ક્યુરેટર રહી ચૂકેલા ન્યુટન મોહન દત્તે તે સમયે લાઈબ્રેરીઓ પર લખેલા પુસ્તકનો હવાલો આપીને ચંદ્રશેખર પાટિલનું કહેવું છે કે, ૧૯૧૦માં  મહારાજા સયાજીરાવ દ્વારા લાઈબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી.અમેરિકાના યંગમેન ઈન્સ્ટિટયૂટના લાઈબ્રેરીયન ડબલ્યુ એ બોર્ડેનની આ ડિપાર્ટમેન્ટના ડિરેકટર  તરીકે નિમણૂક કરવામાં આવી હતી.તેમના ૩ વર્ષના કાર્યકાળમાં વડોદરા રાજ્યની લાઈબ્રેરી સિસ્ટમનો પાયો નંખાયો હતો.સાથે સાથે વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીની સ્થાપના થઈ હતી.શરુઆતમાં  સેન્ટ્રલ લાઈબ્રેરી માંડવી ખાતે સરકારવાડા તરીકે ઓળખાતી જગ્યાએ કાર્યરત હતી અને બાદમાં તેનું અલાયદું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું.જેનું બાંધકામ ૧૯૩૧માં પૂરુ થયું હતું.તેની પાછળ ચાર લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.ચંદ્રશેખર પાટિલના જણાવ્યા અનુસાર લાઈબ્રેરીની ચળવળને રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચાડવામાં આવી હતી.પુસ્તકો પ્રકાશિત કરવા માટે એક  પ્રેસ શરુ કરવામાં આવ્યું હતું.લાઈબ્રેરીમાં ગુજરાતી, મરાઠી , હિન્દી અને ઉર્દુ એમ ચાર ભાષાના પુસ્તકો રાખવામાં આવતા હતા.જોકે ગાયકવાડી શાસનમાં નવસારીથી લઈને ઓખા સુધીમાં સ્થપાયેલી આ લાઈબ્રેરીઓ પૈકી આજે ૫૦ ટકા જ હયાત છે.

મહિલાઓ, બાળકો માટે અલાયદા રીડિંગ રુમ 

ચંદ્રશેખર પાટિલના કહેવા પ્રમાણે વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં મહિલાઓ માટે અને બાળકો માટેના અલાયદા રીડિંગ રુમ શરુ કરવામાં આવ્યા હતા.જેની પાછળનો ઈરાદો મહિલાઓને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહન આપવાનો હતો.ગામડાઓ સુધી પુસ્તકો પહોંચાડવા માટે મોબાઈલ લાઈબ્રેરીઓ શરુ કરવામાં આવી હતી.એટલું જ નહીં લાઈબ્રેરીમાં વાંચવા આવતા વિદ્યાર્થીઓ પૈકી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરીને આગળ અભ્યાસ માટે સ્કોલરશિપ અપાતી હતી.લાઈબ્રેરીઓ સારી રીતે મેન્ટેઈન થાય તે માટે શ્રેષ્ઠ લાઈબ્રેરી પુરસ્કાર પણ શરુ કરાયો હતો.લાઈબ્રેરીઓમાં સ્લાઈડ શો બતાવવાનું શરુ કરાયું હતું અને આ માટે ૧૯૧૦માં સિનેમેટોગ્રાફ મશિન ખાસ વિદેશથી આયાત કરીને વસાવાયું હતું.

૧૯૨૫માં સેન્ટ્લ લાઈબ્રેરીમાં ૧.૦૫ લાખ પુસ્તકો હતા 

૧૯૨૫ના આંકડા પ્રમાણે સમગ્ર વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ૧.૦૫ લાખ પુસ્તકો હતા અને રાજ્યની બીજી લાઈબ્રેરીઓમાં ૩.૭૮ લાખ પુસ્તકો હતા.

આ પૈકી સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વંચાયેલા પુસ્તકોની સંખ્યા ૮૩૨૨૯ અને અન્ય લાઈબ્રેરીઓમાં ૨.૨૨ લાખ હતી.

૧૯૨૮માં ૧૨ લાખ લોકો સુધી લાઈબ્રેરીની સુવિધા પહોંચી હતી 

૧૯૨૮માં વડોદરાના ૯૪૦૦૦ લોકો સુધી , તાલુકા મથકોમાં ટાઉન લાઈબ્રેરી થકી ૩.૩૮ લાખ લોકો  સુધી, ગ્રામ્ય વિસ્તારોમાં ૮.૦૪ લાખ લોકો સુધી લાઈબ્રેરીનો લાભ પહોંચ્યો હતો.આમ વડોદરા રાજ્યની ૬૦ થી ૭૦ ટકા વસતી સુધી લાઈબ્રેરીના ફાયદા પહોંચ્યા હતા.જ્યારે ૮.૩૫ લાખ લોકો સુધી આ સુવિધા નહોતી પહોંચી.

૧૯૨૫માં કેટલી લાઈબ્રેરીઓ હતી

--૪ પ્રાંત પુસ્તકાલય

--૪૩૩ કસ્બાઓના પુસ્તકાલય

--૬૧૮ સાર્વજનિક ગ્રામ પુસ્તકાલય

--૮૭ વાચનાલય

--૮૪ વિશાળ મકાન સાથેના પુસ્તકાલય

કયા શહેરમાં ક્યારે પુસ્તકાલયો સ્થપાયા

શહેર વર્ષ ખર્ચ

અમરેલ ી ૧૯૧૬    ૧૭૪૦૦

નવસારી  ૧૯૧૨      ૩૦૦૦૦

કડી ૧૯૧૫ ૮૪૭૦ 

ઓખા ૧૯૧૫ ૩૩૦૦

ડભોઈ ૧૯૧૬ ૧૭૦૦૦

શિનોર ૧૯૧૫ ૭૫૦૦          વિસનગર ૧૯૧૩ ખર્ચ ૭૪૦૦

વરણામા ૧૯૧૯ ૧૭૦૦૦

પલાણા ૧૯૨૨ ૧૫૦૦૦

વસો ૧૯૧૪ ૮૯૧૦

ધર્મજ ૧૯૧૮ ૧૮૩૭૫

ઉંઝા  ૧૯૧૪ ૪૮૩૩

વાઘોડિયા ૧૯૧૪ ૧૪૨૮૧

બિલિમોરા ૧૯૧૫ ૧૯૧૫

મહેસાણા ૧૯૧૫ ૮૪૭૦

વ્યારા ૧૯૧૩ ૪૫૦૦

વિજાપુરા ૧૯૧૩ ૮૧૮૩

સોજીત્રા ૧૯૧૪ ૨૪૦૦  

કરનાળી ૧૯૨૩ ૪૫૦૦

વડનગર ૧૯૧૧ ૮૦૦૦

કરજણ ૧૯૧૨ ૪૦૯૦

સંખેડા ૧૯૧૬ ૯૬૪૮