વડોદરામાં સેન્ટ્રલ યુનિ.ના 10 પીજી કોર્સમાં 230 જગ્યાઓ ખાલી, વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ એક તક અપાઈ
Vadodara : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત હવે વડોદરા અને ડભોઈની વચ્ચેના કુંઢેલા ખાતેના નવા કેમ્પસમાં કાર્યરત થઈ ગયા છે. 2025-26ના શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી પણ આ જ કેમ્પસમાંથી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે 10 અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 230 જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને તેના માટે ફરી એક વખત યુનિવર્સિટી સત્તાધીશોએ અરજીઓ મંગાવી છે.
જે કોર્સમાં જગ્યાઓ ખાલી છે તેમાં કમ્પેરિટિવ લિટરેચર, ચાઈનિઝ, જર્મન, હિન્દી, હિન્દુ સ્ટડીઝ, સોશ્યલ વર્ક, માસ્ટર ઓફ લાઈબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ, એમએડ, નેનો સાયન્સ અને એન્વાર્ટમેન્ટલ સાયન્સના કોર્સનો સમાવેશ થાય છે.સૂત્રોનું કહેવું છે કે, હિન્દુ સ્ટડીઝને બાદ કરતા દરેક કોર્સમાં 33 બેઠકો છે અને તેમાં સરેરાશ 50 ટકા કરતા વધારે જગ્યાઓ ખાલી છે.
વિદ્યાર્થીઓ પ્રવેશ માટે સેન્ટ્લ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ માટેની છેલ્લી તારીખ 27 જુલાઈ છે. વિદ્યાર્થીઓને મેરિટના આધારે તેમજ એમસીક્યૂ આધારિત પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવશે. તા.30 જુલાઈના રોજ યુનિવર્સિટીના કેમપસમાં બપોરે 12 થી 2 દરમિયાન ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે વધારે માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.