Get The App

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થઈ: બે વ્યક્તિ સારવાર હેઠળ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થઈ: બે વ્યક્તિ સારવાર હેઠળ 1 - image

જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી પતંગરસીયાઓએ ભારે ઉત્સાહપૂર્વક કરી હતી, પરંતુ તે પતંગના દોરાના કારણે 23 વ્યક્તિઓએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાય છે, જેમાં બે વ્યક્તિ વધુ ઇજાગ્રસ્ત બની જતાં સારવાર હેઠળ છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પતંગના દોરાના કારણે કુલ 23 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની હતી. જેમાં ખાસ કરીને બાળકો અને મહિલાનો પણ સમાવેશ થાય છે.

જે તમામને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ પાટા પીંડી કરીને કુલ 21 વ્યક્તિને રજા આપી દેવામાં આવી હતી, અને તમામને દોરા ના કારણે ઇજા થઈ હોવાથી સારવાર આપી ઘરે જવા દેવામાં આવ્યા હતા. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં બે વ્યક્તિ પતંગના દોરા ના કારણે ઇજાગ્રસ્ત બની જતાં સારવાર હેઠળ છે.

જેમાં હાપા વિસ્તારમાં રહેતો રાજેશ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે બપોરે નવા ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન પતંગ ના દોરાના કારણે તેના ગળા નો નીચેનો ભાગ કપાયો હતો, અને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયો હતો. જેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ ઉપરાંત આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ડોલન સમીરભાઈ દાસ નામના 42 વર્ષના યુવાનને પણ પતંગના દોરા ની ઈજા થઈ હોવાથી હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.