શાદી ડૉટકોમ માધ્યમથી વિદેશમાં ડૉકટર હોવાનું કહી વિડો યુવતી સાથે લગ્નના બહાને 23 લાખની ઓનલાઈન ઠગાઈ
અમદાવાદ,તા.13 ઓક્ટોબર 2022,ગુરૂવાર
પશ્ચિમ વિસ્તારમાં રહેતી વિડો યુવતીનો પ્રોફાઈલ શાદી ડૉટ કોમ પરથી લઈ કેલિફોર્નિયમાં પોતે ડૉકટર હોવાનું કહી આરોપીએ ફોન પર વાતચીત શરૂ કરી ૨૩ લાખની ઓનલાઈન ઠગાઈ આચરી હતી. ડૉકટરની ઓળખ આપનાર શખ્સે યુવતીને ૨૩ કરોડ રૂપિયા લઈને ઈન્ડિયા આવું છું તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. તે પછી યુવતીને મહિલા ફોન કરી દિલ્હી એરપોર્ટની ઈમીગ્રેશન ઓફિસર તરીકે ઓળખ આપી તમારા મિત્ર ડૉકટર ૨૩ કરોડ કેશ સાથે પકડાયા છે. તેઓ આ રકમ તમને આપવા માંગતા હોઈ તે રકમ છોડાવવા માટે તમારે ચાર્જ ભરવા પડશે તેમ જણાવી યુવતીને ડૉકટર મિત્ર સાથે વાત કરાવે છે. આ રીતે જૂદા જૂદા ચાર્જ પેટે યુવતી પાસે આરોપીઓ ૨૩.૨૦ લાખની રકમ ભરાવી ઓનલાઈન ઠગાઈ આચરે છે.સાયબર સેલમાં મહિલાએ ચાર દિવસ અગાઉ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ઠગ ટોળકીના એક સાગરીત ઈબ્રાહીમ હુસૈની એડમ (ઉં,૩૦)ને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો.
દિલ્હી એરપોર્ટ પરથી ૨૩ કરોડ છોડાવવા માટે યુવતી પાસે વિવિધ ચાર્જ ભરાવી છેતરપિંડી
શહેરના પશ્ચિમ વિસ્તારની ૩૦ વર્ષીય યુવતીના પતિનું અવસાન થતા પરિવારના સભ્યોએ પુત્રીને બીજા લગ્ન કરવા માટે સમજાવી શાદી ડૉટ કોમ પર પ્રોફાઈલ મુકાવી ઓનલાઈન એપ્લીકેશન રજીસ્ટર કરાવી હતી.ગત તા. ૩જી જાન્યુ,૨૦૨૨ના રોજ યુવતીને વોટસએપ પર વિદેશના નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ કેલિફોર્નિયામાં ડૉકટર તરીકે પ્રેકટીસ કરતા યોગેન્દ્ર યાદવ તરીકે આપી હતી. આરોપીએ યુવતીને મે તમારો બાયોડેટા શાદી ડૉટ કોમ પર જોયો, જો તમને અનુકુળ હોય તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છુ. યુવતીને આરોપીએ પોતાના પરિવારના સભ્યોની વિગતો આપી આંજી દીધી અને સારી વ્યક્તિ તરીકે પોતાની છાપ છોડી હતી. આરોપીની વાતોમાં અને વિશ્વાસમાં આવી ગયેલી યુવતીએ તેની સાથે ચેટ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાનમાં આરોપીએ ૨૩ કરોડ રૂપિયા લઈને ઈન્ડિયા આવવાનો છું અને ત્યાં જ સેટલ થવાનો છું. તેવી વાત યુવતી સાથે કરી હતી.
આ વાતચીતના થોડા સમય બાદ દિલ્હી એરપોર્ટ પરથી ઈમિગ્રેશન ઓફિસર તરીકે ઓળખ આપતો સાજીયા નામની મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ યુવતીને જણાવ્યું કે, તમારા ફ્રેન્ડ યોગેન્દ્ર યાદવ રૂ.૨૩ કરોડની કેશ સાથે દિલ્હી એરપોર્ટ પર આવ્યા છે. તેઓનું ઈન્ડિયામાં તમારા સીવાય કોઈ ન હોવાનું તેમજ આ રકમ તેઓ તમને આપવાની વાત કરી રહ્યા છે. આ ૨૩ કરોડની રકમ તમારે છોડાવવા માટે જૂદા જૂદા ચાર્જ ભરવા પડશે તેમ કહી યુવતીને ડૉ.યોગેન્દ્ર યાદવ સાથે સાજીયા વાત કરાવે છે. યાદવ પણ યુવતીને ૨૩ કરોડ છોડાવવા માટે જૂદા જૂદા ચાર્જ ભરવા પડશે તેમ કહી વિશ્વાસમાં લે છે. બાદમાં યુવતીને ઈમિગ્રેશન ઓફિસરના સ્વાંગમાં રહેલી સાજીયા જેમ કહે છે તેમ યુવતી ટુકડે ટુકડે રૂ.૨૩.૨૦ લાખની રકમ આરોપીઓના જણાવ્યા મુજબ જૂદા જૂદા બેંક એકાઉન્ટમાં ભરે છે.આ રીતે લાખો રૂપિયા ર્ભર્યા બાદ પણ આરોપીઓ વધુ રકમ ભરવા માટે સતત જણાવતા હોવાથી યુવતીને પોતાની સાથે ફ્રોડ થયાનું ભાન થાય છે. બનાવને પગલે યુવતીએ સાયબર સેલમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર દિવસ અગાઉ ફરિયાદ આપી હતી. ફરિયાદ આધારે સાયબર સેલે તપાસ કરતા જે બેંક એકાઉન્ટમાં રકમ ભરાવી તેના સ્ટેટમેન્ટની ચકાસણી કરતા એકાઉન્ટ ધારક ઉત્તરપ્રદેશમાં હોવાની વિગતો મળી હતી. સાયબર સેલે સ્થળ પર જઈ મૂળ નાઈજેરીયાના વતની અને હાલમાં એવીઆઈ હાઈટ્સ જેટા-૧માં ગ્રેટર નોઈડા, યુ.પી ખાતે રહેતાં ઈબ્રાહીમ હુસૈની એડમ (ઉં,૩૦)ને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં તેના અન્ય સાગરીતો દિલ્હીમાં હોવાની વિગતો મળતા તેઓની શોધખોળ હાથ ધરાઈ છે.પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, લેપટોપ, નાઈજેરીયાનો પાસપોર્ટ, બે હાર્ડ ડ્રાઈવ, પેન ડ્રાઈવ, બેંક પાસબૂક, ડેબીટ કાર્ડ, નાઈજેરીયાનું માસ્ટર કાર્ડ વગેરે મળીને કુલ્લે રૂ.૨૯ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
મારી પત્નીનું હાર્ટ એટેકમાં મોત થયું છે, પુત્રી માટે ભારતમાં સેટલ થવું છે.
વિધવા યુવતીને ફોન કરનાર શખ્સે પોતે કેલિફોર્નિયામાં પીડીયાટ્રીશીયન ડૉકટર તરીકે સેવા આપતો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ માતા યુએસની પીઆર હોવાનું અને પોતે મૂળ ચેન્નાઈ હોવાની વિગત જણાવી હતી. યુવતીને આરોપીએ તમે મારી સાથે લગ્ન કરશો તેમ જણાવી પત્ની પાંચ વર્ષ અગાઉ હાર્ટ એટેકમાં ગુજરી ગયાનું જણાવ્યું હતું આરોપીએ પોતાની સાત વર્ષની પુત્રી માટે ભારતમાં સેટલ થવા માંગતો હોવાની લાગણીસભર વાતો યુવતી સાથે કરી હતી. જેના પગલે યુવતી આરોપીની વાતોમાં આવી ગઈ અને ભરોસો કરી બેઠી હતી.