Gujarat

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા

By GS TEAM
4 Sep 20251 min read
પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા

રાજપીપળા,ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાને લીધે નર્મદા ડેમના વધુ પાંચ ગેટ સવારે ખોલાયા બાદ રાત્રે વધુ ૮ ગેટ ખોલતા કુલ ૨૩ ગેટમાંથી કુલ ૪.૪૫ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ૨૩ દરવાજા ૨.૫૦ મીટરે ખોલી નાખ્યા છે.

નદીમાં પાણીની જંગી જાવક થતા નર્મદા કાંઠા પરના વડોદરા, ભરૃચ અને નર્મદા જિલ્લાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. ગઇકાલ સુધી નર્મદાના ૧૦ ગેટ ખુલ્લા હતા. આજે સાંજે ડેમની સપાટી ૧૩૫.૬૬ મીટર  નોંધાઇ હતી.  ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.  હાલ ડેમમાં ૯૦.૦૨ ટકા પાણી ભરાયું છે.

રાત્રે ૮ વાગ્યે વધુ પાણી છોડવાના કારણે કુલ ૪.૪૫ લાખ ક્યુસેક પાણી નદીમાં વહેતું થશે. જેમાં ૨૩ ગેટ દ્વારા ૪ લાખ ક્યુસેક અને પાવરહાઉસથી ૪૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાશે. હાલ ડેમમાં ૪.૪૯ લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે નદીમાં પાણીની જાવક ૩૯૬૫૨૧ ક્યુસેક છે,  જ્યારે  કેનાલ દ્વારા ૨૩૦૬૫ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. સિઝનમાં પ્રથમ વખત ૨૩ ગેટ ખોલવામાં આવ્યા છે.