કેતન ઇનામદારના ટેકામાં સાવલી નગરપાલિકાના ભાજપના 23 નગરસેવકોએ રાજીનામુ આપ્યું
- ગઇ કાલે ભાજપ પ્રમુખે રાજીનામું ધરી દીધુ હતુ, હજુ ભાજપના હોદેદારો રાજીનામું આપે તેવી ભાજપ વર્તુળોમાં ચર્ચા
સાવલી, તા. 23 જાન્યુઆરી 2020 ગુરૂવાર
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. ભાજપ પક્ષમાંથી આપ્યું નથી તેવી સ્પષ્ટતા ખુદ ધારાસભ્ય તરફથી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ તેમના ટેકામાં સાવલી ભાજપ પ્રમુખે પણ રાજીનામું ધરી દીધુ છે. તો આજે સાવલી નગરપાલિકાના ભાજપના 23 નગરસેવકોએ રાજીનામુ આપી દીધું છે. જ્યારે કેતન ઇનામદારના સમર્થનમાં હજુ વધુ ભાજપના હોદેદારો અને આગેવાનો રાજીનામું આપે તેવી શક્યતા હોવાની ભાજપ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામાને પગલે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં પણ ભારે ભડકો થવા જઇ રહ્યો છે. સાવલી ભાજપના પ્રમુખ મહીપતસિંહ રાણાએ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમજ તાલુકા ભાજપના સંગઠન માંથી વધુ હોદ્દેદારોના રાજીનામા પડશે તેમ જાણવા મળે છે.
સાવલી નગર પાલિકા અને સાવલી તાલુકા પંચાયતમાં પણ હાલમાં ભાજપ શાસન છે તેમાંથી પણ ચૂંટાયેલા સદસ્યો રાજીનામા મુકે તેવી પણ શક્યતા છે. વધુમાં સાવલીના ધારાસભ્ય કહે છે કે મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યં છે. પરંતુ પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી. સાવલી વિસ્તારની એ.પી.એમ.સી. ના કેટલાક હોદ્દેદારો પણ કાલે રાજીનામાં આપશે તેવી વાત વહેંતી થઇ છે.