ગત વર્ષ કરતા સંખ્યા વધી, વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.11 જૂનથી લેવાનારી પૂરક પરીક્ષા માટે તંત્ર આયોજન કરી રહ્યું છે.મળતી જાણકારી પ્રમાણે ધો.10 અને ધો.12 એમ કુલ મળીને વડોદરા શહેર જિલ્લામાંથી 23,883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સાથે સાથે જેમને નિયમિત પરીક્ષાના પરિણામથી સંતોષ ના હોય તેવા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે તેમ હોવાથી ગત વર્ષ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
જેમાં ધો.10ના 8555, ધો.12ના સામાન્ય પ્રવાહના 9140 તથા ધો.12ના વિજ્ઞાન પ્રવાહના 6188 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 26 કેન્દ્રો પર ધો.10ની પરીક્ષા લેવાશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે 20 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.10ની પૂરક પરીક્ષા માટે પણ સેન્ટ્રલ જેલમાં એક પરીક્ષા કેન્દ્ર રહેશે. જ્યાં 6 કેદીઓ પરીક્ષા આપશે. બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ પૂરક પરીક્ષા માટે પણ સીસીટીવી થકી નજર રખાશે અને પરીક્ષાના આયોજનની ચર્ચા કરવા માટે તા.9 જૂનના રોજ સ્થળ સંચાલકોની તથા સરકારી પ્રતિનિધિઓની એક બેઠક ડીઈઓ કચેરી ખાતે યોજાશેસ.પરીક્ષાને ધ્યાનમાં રાખીને તા.10 થી 20 જૂન સુધી ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે.








