Gujarat

બોગસ ચલણ રજૂ કરીને ખાણ ખનીજ વિભાગ સાથે ૨૩.૪૯ લાખની છેતરપિંડી

By GS TEAM
7 Mar 20262 mins read
બોગસ ચલણ રજૂ કરીને ખાણ ખનીજ વિભાગ સાથે ૨૩.૪૯ લાખની છેતરપિંડી

રેત માફિયાઓએ અધિકારીની ખોટી સહી કરી

બેંકમાં ચલણોની તપાસ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટયો ઃ ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર : અત્યાર સુધી રેત માફિયાઓ દ્વારા નદીઓમાંથી રેતી ચોરવામાં આવતી હતી પરંતુ હવે અધિકારીઓની ખોટી સહી કરી બોગસ ચલણો રજૂ કરીને દંડમાંથી પણ છુટકારો મેળવી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે ત્યારે બોગસ ચલણ રજૂ કરીને ૨૩.૪૯ લાખની છેતરપિંડી કરનાર ત્રણ રેત માફિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના સેક્ટર-૧૦ સ્થિત ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ કમિશનરની કચેરીના અધિકારીઓ સાથે લાખો રૃપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગેરકાયદે ખનન અને વહન બદલ પકડાયેલા વાહનો અને મશીનરી છોડાવવા માટે રેત માફિયાઓ સરકારી દંડ ભરવાના બદલે મદદનીશ નિયામકની ખોટી સહી કરી બેંકના બોગસ ચલણો રજૂ કર્યા હતા. આ કૌભાંડની વિગતો મુજબ, ૧૩ મે ૨૦૨૫ના રોજ ફ્લાઇંગ સ્ક્વાડ દ્વારા ડભોઈ પંથકમાં તપાસ દરમિયાન ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા હિટાચી મશીન, ડમ્પર અને બિનઅધિકૃત સ્ટોક ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બદલ આરોપીઓને દંડ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેમણે પૂરેપૂરી રકમ ભરવાને બદલે છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હતો. ચિરાગભાઇ રબારીએ ૨,૦૫,૩૮૭ના ચલણ સામે બેંકમાં માત્ર ૧,૩૮૭ જમા કરાવ્યા હતા. જ્યારે શિવ એન્ટરપ્રાઇઝના સોહમ ગજેરાએ ૧૧,૮૩,૨૮૭ના ચલણ સામે માત્ર ૨,૦૮૭ જ જમા કરાવ્યા હતા. તો હસમુખ કાંસકીવાલાએ ૪,૭૩,૩૪૧ના ચલણ અંગે બેંકમાં કોઈ રેકોર્ડ જ મળી આવ્યો નહોતો. તેમણે મદદનીશ નિયામક આર્જવ શુક્લાની ખોટી સહી કરી અને બેંકના સિક્કાનો દુરુપયોગ કરી બોગસ પહોંચ કચેરીમાં રજૂ કરી હતી. જેના આધારે કચેરીએ વાહનો મુક્ત કર્યા હતા. બાદમાં જ્યારે બેંકમાં ચલણોની ખરાઈ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં સરકારને કુલ ૨૩,૪૯,૨૫૭નું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલમાં સેક્ટર-૭ પોલીસે ડભોઇના હસમુખ કનુભાઈ કાંસકીવાલા, ચિરાગ આસમભાઈ રબારી અને સોહમ પ્રવીણભાઈ ગજેરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.