Gujarat

વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ

By GS TEAM
15 Nov 20251 min read
વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ

- દારૂનો જથ્થો સેલવાસથી સિહોર આવી રહ્યો હતો

- ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો, વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : વલ્લભીપુર તાલુકાના નવાગામ (ગા.) નજીકથી લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં દારૂ મોકલનાર અને મંગાવનારા સહિત કુલ ચાર શખ્સ સામે ગુનો નોંધાયો છે.

બરવાળાથી વલ્લભીપુર તરફ આવી રહેલા સફેદ કલરના જીજે-૦૬-એક્સએક્સ-૫૩૨૬ નંબરના ટ્રકમાં વિદેશી દારૂ ભરાઈને આવતો હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે નવાગામ ઢાળ પાસે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતાં ક્રાઈમબ્રાંચની ટીમે ટ્રકનો પીછો કરી તપાસ કરી પરંતુ ટ્રક ખાલી હતો. પરંતુ સામાન્ય ટ્રકથી વિપરિત ટ્રકના નીચેના ભાગમાં પતરા ગોઠવેલા હોવાથી પોલીસે પતરાને ખોલીને જોતા પતરના નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૯૧ પેટી મળી આવી હતી. જેમાં રૂ.૧૦,૪૬,૩૨૦ની કિંમતની નાની-મોટી દારૂની કુલ ૨૨૮૨ બોટલ મળી આવતા લોકલ ક્રાઈમબ્રાંચે ટ્રક ચાલક ભગીરથસિંહ ગજુભા ગોહિલ (રહે.વલ્લભીપુર) અને ક્લિનર વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ (રહે.પચ્છેગામ)ને ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૂનો જથ્થો સેલવાસમાં રહેતા અનિલભાઈ પાસેથી લાવ્યા હતા અને સિહોરના નેસડા ગામે જીતુભાઈ ઢીલાને આપવાનો હોવાની કબૂલાત આપી હતી. આમ, પોલીસે કુલ રૂ.૧૫,૫૬,૩૨૦નો મુદ્દામાલ કબ્જે લઈ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.