Gujarat

દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા

By GS TEAM
24 Dec 20251 min read
દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ  બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા

વડોદરા, તા.24 તા.૩૧ ડિસેમ્બર નજીક આવતાં જ પોલીસે દારૃના વેચાણ અને તેનું સેવન કરતા લોકો પર કન્ટ્રોલ કરવાનું શરૃ કરી દીધું છે. માત્ર  બે દિવસમાં જ જિલ્લા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ૨૨૮ કેસો દાખલ કરી પીધેલાઓને ઝડપી પાડયા છે.

ઉલ્લેખનીય છે કે રાજમાર્ગો પર દારૃ પીને વાહનો હંકારતા અકસ્માતોના કેસો વધી રહ્યા છે. જેના પગલે પોલીસ દ્વારા દારૃ પીને વાહન હંકારતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ઘોંસ વધારી દીધી છે. જિલ્લા પોલીસમાં તા.૩૧ ડિસેમ્બર સુધી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવાના ટાર્ગેટ દરેક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા છે આ સાથે જ પોલીસ રાજમાર્ગો પર ઉતરી આવી છે.

વાંકાચૂકા વાહન હંકારતા અથવા ફૂલ સ્પીડે વાહન ચલાવતા ચાલકોને રોકી તેમણે દારૃ પીધો છે કે નહી તેની ચકાસણી કરી કલમ ૧૮૫ના કેસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે માત્ર બે દિવસમાં જ ૨૨૮ કેસો કરી ટુ વ્હીલરથી માંડી લક્ઝરી બસ તેમજ ટ્રક ડ્રાઇવરને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.