Get The App

જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ ઉ.મા. વિભાગમાં 225 શિક્ષક સહાયકો નિમાશે

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ ઉ.મા. વિભાગમાં 225 શિક્ષક સહાયકો નિમાશે 1 - image


- લાંબા સમય બાદ આજે સરકારી ઉ.મા. શાળામાં નિમણૂક પત્ર અપાશે

- સપ્ટે.-ઓક્ટો.-24 થી શરૂ થયેલ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં,  આગામી 8 મીએ માધ્યમિક વિભાગની પ્રક્રિયા હાથ ધરાશે

ભાવનગર : શહેર-જિલ્લાની ૧૩૫ ગ્રાન્ટેડ હાઇસ્કૂલો અને ૮૬ સરકારી હાઇસ્કૂલોના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૯ વર્ષ બાદ શિક્ષણ સહાયકની ભરતી થવા જઇ રહી છે જેમાં સરકારી ઉ.મા.માં ૧૨૩ શિક્ષક ઉમેદવારને તા.૩ના રોજ નિમણૂક પત્ર આપવામાં આવશે. જ્યારે ગ્રાન્ટ ઇન એડના ઉ.મા. વિભાગમાં ૧૦૨ ઉમેદવારોને તા.૮ના રોજ નિમણૂક પત્ર અપાશે.

ભાવનગર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી બાકી રહેતા ઘણી શાળામાં એકલ દોકલ શિક્ષકોથી ગાડુ ગબડાવાતું હતું. જો કે, રજૂઆતો બાદ આ ભરતી કરવાનું ઠરાવાયું અને ગત સપ્ટે.-ઓક્ટો.-૨૪માં ભરતી ફોર્મ ભરવામાં આવ્યા. વેરીફીકેશન મેરીટ અને બાદમાં સ્થળ પસંદગી પ્રક્રિયા કરાઇ હતી પરંતુ ઓર્ડર આપતા પૂર્વે ચૂંટણી આચારસંહિતાનું ગ્રહણ લાગતા ભરતી પાછી ઠેલાઇ હતી. જ્યારે આવતીકાલે તા.૩ના રોજ ભાવનગર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ ૧૨૩ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ આપવાનું નિશ્ચિત કરાયું છે. જે કેમ્પ સ્વામીનારાયણ હાઇસ્કૂલ ચિત્રા ખાતે યોજાશે. જ્યારે ગ્રાન્ટ ઇન એઇડ ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી માટે ૧૦૨ ઉમેદવારોને આગામી તા.૮ના રોજ નિમણૂક હુકમ આપવામાં આવનાર છે. આમ શહેર જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૨૨૫ શિક્ષકોની નવી ભરતી કે જે પ્રિલીમનરી ટાટ અને મુખ્ય ટાટ પરીક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરીને આવેલ હોય મેન પાવર પણ કાબેલ મળતા શિક્ષણનું સ્તર સુધરે તેવી આશા સેવાય છે. જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં આ ઓર્ડરો આપવામાં આવશે. જે ઉમેદવારે હુકમ મળ્યે સાત દિવસમાં નિશ્ચિત સ્થળે હાજર થવાનું રહેશે. વર્ષ ૨૦૨૧ બાદ વર્ષ ૨૦૨૫માં એટલે કે નવ વર્ષ બાદ આ ભરતી થઇ રહી છે.

ઉ.મા. બાદ માધ્યમિક વિભાગની ભરતી થશે

તા.૩ના રોજ સરકારી ઉ.મા. અને તા.૮ના ગ્રાન્ટેડ ઉ.મા. શાળાઓમાં ૨૨૫ શિક્ષણ સહાયકની ભરતી થઇ રહી છે. જ્યારે સરકારી માધ્યમિકની ૮૭ અને ગ્રાન્ટેડ માધ્યમિકની ૪૦ જેટલી જગ્યા પર પણ આગામી દિવસોમાં આ જગ્યા ઉપર પણ નિમણૂકો આપવામાં આવશે.

Tags :