એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર 22716 વિદ્યાર્થીઓની અરજી
વડોદરાઃ ગુજરાત સરકારના જીકાસ પોર્ટલ પર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં બીએ, બીકોમ અને બીએસસી સહિતના કોર્સમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાની મુદત તા.૨૧ મેના રોજ પૂરી થઈ ગઈ છે.સત્તાધીશોએ જાહેર કરેલા આંકડા પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના સ્નાતક અભ્યાસક્રમો માટે ૨૨૭૧૬ પ્રવેશ ફોર્મ ભરાયા છે.આ પૈકી ૫૦ ટકા ફોર્મ તો કોમર્સ ફેકલ્ટીમાં જ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ભર્યા છે.
કોમર્સ ફેકલ્ટીમાં બીકોમમાં ૬૪૦૦ બેઠકો માટે પ્રવેશ માટે ૧૦૭૧૮ ફોર્મ ભરાયા છે.આ સંજોગોમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પહેલા રાઉન્ડમાં પ્રવેશની ટકાવારી ઉંચી રહેવાની અને પ્રવેશની સમસ્યા સર્જાવાની પણ શક્યતા રહેલી છે.બીજા ક્રમે સાયન્સ ફેકલ્ટી છે.સાયન્સમાં બીએસસીમાં પ્રવેશ માટે ૬૧૧૬ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે જ્યારે આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ૨૪૮૪ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે.
યુનિવર્સિટીના સૂત્રોનું એવું પણ કહેવું છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓએ અન્ય યુનિવર્સિટીઓમાંને પણ વિકલ્પ તરીકે રાખી હશે.જેના કારણે આ આંકડાના આધારે પ્રવેશ અંગે કોઈ પણ અનુમાન લગાવવું અત્યારની સ્થિતિમાં શક્ય નથી.પહેલા રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફી ભરી તેના આંકડાના આધારે ચિત્ર સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે, પ્રવેશનો પહેલો રાઉન્ડ તા.૨૯ થી ૩૧ મે દરમિયાન યોજાશે.જેમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીએ જે તે યુનિવર્સિટીમાં ફી ભરવાની રહેશે.
કઈ ફેકલ્ટી માટે કેટલી અરજીઓ
આર્ટસ ૨૪૮૪
કોમર્સ ૧૦૭૧૮
જર્નાલિઝમ ૧૯૩
એજ્યુકેશન ૮૯૬
હોમસાયન્સ ૮૭૪
ફાઈન આર્ટસ ૪૦૬
લો ૬૧૧
પરફોર્મિંગ આર્ટસ ૧૭૧
સાયન્સ ૬૧૧૬
સોશ્યલ વર્ક ૧૫૦
સંસ્કૃત મહાવિદ્યાલય ૯૭