અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક કરુણ ઘટના બની છે. જૂના દેવકા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી 22 વર્ષીય શિક્ષિકા હેતલબેન ઘોસીયાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાસ્થળે પહોંચીને પોલીસ તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક શિક્ષિકા હેતલબેન ઘોસીયા મૂળ ગીર સોમનાથ જિલ્લાની રહેવાસી હતી અને રાજુલા તાલુકાના કુંભારિયા ગામે મંગળશી શેલડિયાના મકાનમાં ભાડેથી રહેતી હતી. હેતલબેન કુંભારીયા ગામે રહીને નજીકની જૂના દેવકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતી હતી. અગમ્ય કારણોસર તેણે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ તાત્કાલિક કુંભારીયા ગામે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. શિક્ષિકાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક યુવતીના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના થયા છે.

