૨૨ વર્ષના ડોક્ટરને હાર્ટ એટેક આવતા મોત
એમ.બી.બી.એસ.પૂરૃં થતા સયાજીમાં ઇન્ટર્નશિપ કરતા હતા
વડોદરા,એમ.બી.બી.એસ. પછી ઇન્ટર્નશિપ કરતા ૨૨ વર્ષના ડોક્ટરને આજે સવારે હાર્ટ એટેક આવતા મોત થયું હતું. એક ના એક પુત્રના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
મળતી માહિતી મુજબ, અટલાદરાની મારૃતિ નંદન સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષના ડો.દેવરાજ સિંઘે હાલમાં જ એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ તે સયાજી હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશિપ કરતો હતો. ઇન્ટર્નશિપને છ મહિના પૂરા થઇ ગયા હતા છ મહિના બાકી હતા. આજે સવારે તેઓને અચાનક ઘરે હાર્ટ એટેક આવતા ઢળી પડયો હતો. પરિવારજનો દેવરાજને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.