ધ્રોલના ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંના મૃત્યુઃ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિક તારણ

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગાના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા 22 ઘેટાંના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી છે.
આજે વહેલી સવારે જ્યારે ભીખાભાઈના પરિવારજનો વાડામાં ગયા ત્યારે તેઓએ એકસાથે ૨૨ ઘેટાને મૃત્યુ પામેલા જોઈ આ પરિવાર હેબતાઈ ગયો હતો. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસની ટીમ અને ધ્રોલથી પશુ ચિકિત્સા વિભાગના ડો. ઘેટીયા સ્થળ પર પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસ મા આ ઘેટા ઓ પર મોડીરાત્રે કોઈ જંગલી અથવા હિંસક પશુ એ હુમલો કરી તેઓનું મારણ કર્યાનું જણાઈ આવ્યું છે. મોટી સંખ્યામાં પશુધન ગૂમાવતા આ માલધારી પરિવાર ઉપર મોટી આફત આવી પડી છે.

