૮૦ સીસીટીવી ચેક કરી ૧૧ લાખના ૨૨ વાહનો કબજે
ઝોન-૬ લોકલ ક્રાઇમ બ્રાંચે ઇસનપુર સહિતના ચોરીના ગુના ઉકેલ્યા
નારણપુરા ચાર રસ્તા સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
અમદાવાદ, શનિવાર
ઇસનપુરના વિસ્તારમાં ઘોડાસર બ્રિજ નીચેથી પંદરેક દિવસ પહેલા બાઈક ચોરાયું હતું. આ અંગેની ફરિયાદ આધારે ઝોન-૬ એલસીબી સ્કવોડે ઇસનપુરથી નારણપુરા ચાર રસ્તા સુધીના ૮૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા રૃા. ૧૧ લાખના ૨૨ ટુ-વ્હીલરની ચોરીની કબુલાત કરી હતી.
ઘોડાસર બ્રિજ નીચેથી પંદર દિવસ પહેલા બાઇકની ચોરી થઇ હતી ઃ નારણપુરા ચાર રસ્તા સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
ઇસનપુરનમાં ઘોડાસર બ્રિજ નીચેથી પંદરેક દિવસ પહેલા યુવકનું બાઈક ચોરાયું હતુ. આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનો નોંધાયો હતો. જેને લઇને ઝોન-૬ એલસીબી સ્કવોડે બાઈક ચોરીના ગુનાની તપાસ હાથ ધરી હતી અને ઇસનપુર ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં શકાસ્પદ શખ્સ દેખાયો અને તેનો પીછો કરતા પોલીસ નારણપુરા ચાર રસ્તા સુધી પોલીસ પહોંચી હતી. ૮૦ કરતા વધુ સીસીટીવી ફૂટેજ તપાસતાં એક જ બાઈક ઉપર આવેલા બે શખ્સો દેખાયા હતા.
જેને લઇને પોલીસે ગોતા હાઉસીંગ ખાતે વસંતનગરમાં રહેતા કમલેશભાઈ દગાભાઇ રબારી (ઉ.વ.૨૧) અને પિયુષ રાણાભાઇ રબારી(ઉ.વ.૨૧)ની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા બન્ને આરોપી એક બાઈક ઉપર બેસીને ચોરી કરવા નીકળ્યા હતા. મોટાભાગે બ્રિજ નીચે અથવા તો બિલ્ડીંગના પાકગમાં રહેલા બાઈકની ચોરી કરતા હતા, પોલીસે રૃા. ૧૧ લાખના ૨૨ ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલી કબજે કર્યા હતા જેમાં સ્પ્લેન્ડર-૧૬, એકટીવા-૩, જ્યુપીટર-૧,બુલેટ-૧, હોન્ડા સાઇન બાઈક-૧નો સમાવેશ થાય છે.