Updated: Mar 18th, 2023
ખાનગી લેબ.માં ટેસ્ટના રૂ।. 4500, સિવિલમાં હવે ટેસ્ટ કિટ વસાવાશે ; તબીબોએ કહ્યું લાંબા સમય સુધી ગળામાં દુખાવા, સુકી ખાંસીથી દર્દીને દર્દ વધુ થાય પણ ગંભીર સ્થિતિ થવાનું જોખમ જણાતુ નથી : ગંભીર દર્દી હોય અને કોરોના ન હોય તો જ ટેસ્ટ કરાવવાનો છે-હેલ્થ ઓફિસર
રાજકોટ, : માવઠાંની મૌસમના પગલે રાજકોટમાં લાંબા સમય સુધી ગળામાં દુખાવો (ઈરીટેશન) અને સુકી ખાંસી રહે તેવા લક્ષણો સાથેનો નવો વાયરલ ફ્લુ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે. મનપાએ જાહેર કર્યા મૂજબ ખાનગી લેબ.માં થયેલા ટેસ્ટ મૂજબ એચ૩એન૨ના ૨૨ જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે પરંતુ, તેમાં કોઈ ગંભીર નથી. આ ફ્લુનો ટેસ્ટ શહેરની પ્રાઈવેટ લેબોરેટરી કરે છે તેમાં રૂ।.૪૫૦૦થી ૫૦૦૦ જેવો ખર્ચ થતો હોય લોકો તેને ટાળે તે સ્વાભાવિક છે ત્યારે તબીબોએ આ ટેસ્ટને બદલે લક્ષણોની સારવાર સમયસર શરુ કરવા પર ભાર મુક્યો છે.
રાજકોટના ઈએનટી સ્પેશિયાલીસ્ટ ડો.ભરત કાકડીયાએ જણાવ્યું કે હાલ સુકી ઉધરસ અને ગળુ પકડાઈ જવું તે લક્ષણો સાથેના કેસોમાં દેખીતો વધારો જોવા મળ્યો છેપરંતુ, કોઈનું ઓક્સીજન લેવલ ઘટી જાય કે ગંભીર બની જાય તેવી સ્થિતિ હજુ ખાસ જણાતી નથી. ટેસ્ટ મોંઘો છે અને એચ૩એન૨ પોઝીટીવ આવે તો પણ સારવાર સિમ્પટેમેટિક કરવાની હોય છે. આ વાયરસજન્ય હોય તેમાં એન્ટીબાયોટીકનો ખાસ રોલ રહેતા નથી. લોકોને ગરમ પીણા લેવા, ઠંડા પદાર્થોનો ત્યાગ, નાસ વગેરેથી પણ રાહત મળે છે. જ્યારે શહેરના ધારાસભ્ય અને એમ.ડી.પેથોલોજીસ્ટ ડો.દર્શિતા શાહે જણાવ્યું કે લોકોએ ટેસ્ટ કરાવવો ફરજીયાત નથી, સારવાર સમયસર કરાવવી જોઈએ. લોકોએ લક્ષણો હોય ત્યારે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. મહાપાલિકા પણ આ ટેસ્ટ કરે છે.