Get The App

ઉમરેઠ-નડિયાદ રોડ ઉપરથી કતલખાને લઈ જવાતા 22 પશુઓ બચાવી લેવાયા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઉમરેઠ-નડિયાદ રોડ ઉપરથી કતલખાને લઈ જવાતા 22 પશુઓ બચાવી લેવાયા 1 - image

- કન્ટેનર અને બાઈક સાથે 3 શખ્સો ઝડપાયા 

- સુરતના મીઠી ખાડી ખાતેના કતલખાને લઈ જતા હોવાની કબૂલાત, રૂ. 16.51 લાખની મત્તા જપ્ત

આણંદ : ઉમરેઠ-નડિયાદ રોડ ઉપર આવેલી એક હોટલ નજીકથી પોલીસે બંધ બોડીના કન્ટેનરમાં સુરતના કતલખાને લઈ જવાતા ૨૨ પશુને બચાવી લીધા હતા. ઉમરેઠ પોલીસે પાયલોટિંગ કરનાર બાઈક ચાલક સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી રૂપિયા ૧૬.૫૧ લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

ઉમરેઠ તરફથી એક બંધ બોડીના કન્ટેનરમાં પશુઓને કતલખાને મોકલવામાં આવી રહ્યા હોવાની બાતમી ઉમરેઠ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ ઉમરેઠ-નડિયાદ રોડ ઉપર આવેલી એક હોટલ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન રાત્રિના સમયે બાતમી મળેલું એક કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને કન્ટેનરની આગળ બાઈક લઈને પાયલોટિંગ કરતો શખ્સ પણ આવી પહોંચતા પોલીસે તેને પણ અટકાવ્યો હતો, જ્યારે કન્ટેનરમાં બે શખ્સો સવાર હતા. પોલીસે બંધ બોડીના કન્ટેનરમાં તપાસ કરતા અંદરથી ૨૨ ભેંસો મળી આવી હતી અને કન્ટેનરમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરાઈ નહોતી. તેમજ શખ્સો પાસે પશુની હેરાફેરી કરવા અંગેનું લાયસન્સ માગતા તેઓની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે ઝડપાયેલા શખ્સોના નામ અંગે પૂછતા ચાલક યાસીન મુસાભાઇ મતાદાર (રહે.કરજણ) સોહિલ ફરીદભાઈ શેખ (રહે. સામરખા) અને બાઈક ઉપર પાયલોટિંગ કરનાર શખ્સ સમીર સલીમભાઈ કુરેશી (રહે. ઉમરેઠ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રોકડા રૂપિયા ૧૧,૫૦૦, મોબાઈલ, પશુઓ અને કન્ટેનર મળી કુલ રૂપિયા ૧૬,૫૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે વધુ પૂછપરછ કરતા આ ભેંસો ઉમરેઠ ખાતે રહેતા જુનેદ સલીમભાઈ કુરેશી (રહે. ખાટકી વાડ, ઉમરેઠ)એ ભરાવી આપી હોવાનું જણાવ્યું હતું અને સુરતના મીઠી ખાડી ખાતે આવેલા કતલખાને લઈ જવાની હોવાની કબુલાત કરતા પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર જુનેદ કુરેશીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.