આજે 2 એપ્રિલ એટલે 'વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ' ઓટિઝમ એ બીમારી નથી, પરંતુ મગજના વિકાસની એક સ્થિતિ હોવાની દિશામાં સૌરાષ્ટ્ર યુનિવસટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 3100 લોકો પર સર્વે
રાજકોટ, : 2 એપ્રિલ એટલે 'વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ'. આ દિવસનો મુખ્ય હેતુ 'ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર' ધરાવતી વ્યક્તિઓ વિશે સમાજમાં જાગૃતિ લાવવી અને તેમના જીવનમાં સુધારો કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. ઓટિઝમ એ કોઈ બીમારી નથી, પરંતુ મગજના વિકાસ સાથે જોડાયેલી એક સ્થિતિ છે. તેના લક્ષણો સામાન્ય રીતે બાળપણના શરૂઆતના વર્ષોમાં જ જોવા મળે છે જેમ કે, વાતચીત કરવામાં મુશ્કેલી પડવી, એક જ પ્રકારનું વર્તન વારંવાર કરવું, નજર મેળવીને વાત કરવામાં સંકોચ અનુભવવો.. જો કે, દરેક વ્યક્તિમાં તેના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે.
જેને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવસટીના મનોવિજ્ઞાાન ભવન દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના 3100 લોકો પર એક મહત્વપૂર્ણ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો, જેમાં 10 પ્રશ્નો પુછવામાં આવતા 'ઓટિઝમ' પ્રત્યેના સામાજિક વલણના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સૌના આશ્ચર્ય વચ્ચે સમગ્ર રાજ્યના સંદર્ભમાં હજુ પણ 40% વર્ગ એવો છે જેમણે 'ઓટિઝમ' શબ્દ ક્યારેય સાંભળ્યો નથી. વળી, માત્ર 45% લોકો જ સમજે છે કે આ મગજનો એક વિકાસલક્ષી ફેરફાર છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 35% લોકો હજુ પણ તેને એક પ્રકારની 'માનસિક બીમારી' માને છે જે માત્ર દવાઓથી મટી શકે છે. આ દર્શાવે છે કે આપણે હજુ જાગૃતિનું સ્તર ઘણું ઓછું છે.
મનોવિજ્ઞાાન ભવનના પ્રો.ડો.યોગેશ જોગસણ કહે છે કે, આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા એક મોટો પડકાર છે. 75% લોકો તેને તબીબી સ્થિતિ માને છે, પરંતુ 25% લોકો હજુ પણ તેને 'નજર લાગવી', 'વળગાડ' કે 'દૈવી પ્રકોપ' માનીને પૂજા-પાઠ અને તાંત્રિક વિધિઓ તરફ વળે છે. આ 25% વર્ગ, જે મુખ્યત્વે આથક રીતે પછાત અને અંતરિયાળ વિસ્તારનો છે, ત્યાં વૈજ્ઞાાનિક સમજ પહોંચાડવી અનિવાર્ય છે. સર્વે મુજબ, 30% લોકોને ખબર નથી કે ઓટિઝમનો શિકાર બાળકનો દેખાવ સામાન્ય બાળક જેવો જ હોય છે. આ ગેરસમજને કારણે જ્યારે ઓટિઝમ ધરાવતું બાળક અસામાન્ય વર્તન કરે છે, ત્યારે લોકો તેને 'ગેરશિસ્ત' કે 'તોફાન' માની લે છે, કારણ કે બાળક દેખાવમાં સામાન્ય હોય છે.


