- માવઠા બાદ ભાલ વિસ્તારમાં ડાંગરની કાપણી શરૂ
- 15 દિવસ બાદ માર્કેટયાર્ડ ધમધમતું થયું : 20 કિલો ડાંગરના 350 થી 641 ભાવ બોલાયા
તારાપુર એપીએમસી ખાતે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપારીઓ દ્વારા ડાંગરની ખરીદીનો શુભારંભ કરાયો હતો. જેમાં ૧૦૦થી વધુ ટ્રેક્ટર અને વાહનો ભરીને ડાંગર વેચાણ કરવા ખેડૂતો પહોંચ્યા હતા. લાભપાંચમ બાદ તારાપુર સહિત ભાલ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે તારાપુર એપીએમસીમાં અનાજની ખરીદીનું કામકાજ પણ સ્થગિત રખાયું હતું. વાતાવરણ હવે અનુકૂળ થતા વિસ્તારમાં ડાંગર કાપણી શરૂ થવા સાથે યાર્ડમાં આવક પણ શરૂ થઈ છે. ૧૫ દિવસના વિરામ બાદ આજે તારાપુર એપીએમસીમાં ૨૧૦ ટ્રેક્ટરની આવક નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં ૨૦ કિલો ડાંગરના રૂા. ૩૫૦થી ૬૪૧ ભાવ પડયા હતા. સારા માલના ઊંચા ભાવ મળતા આગામી દિવસોમાં પણ ડાંગરના ભાવો જળવાઈ રહેવાનો ખેડૂતોમાં આશાવાદ છે.
કઈ ડાંગરના 20 કિલોના કેટલા ભાવ બોલાયા
ડાંગર ભાવ
શ્રીરામ ૩૫૦- ૬૪૧
મોતી ૨૫૦- ૪૪૬
ગુજ.-૧૭ ૨૫૦- ૫૪૧
સોનમ ૨૮૦- ૫૬૯
ગુજરી ૨૩૦- ૩૫૧


